રાજ્ય માં સતત બે દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . જે અંતર્ગત વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .વિગતો મુજબ બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે .
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લગભગ તમામ તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ ગોંડલમાં નોંધાયો હતો. અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો. રવિવારે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત માં રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યોહતો. રાજકોટ નજીક ગોંડલમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી ને પગલે તંત્ર એલર્ટ બન્યુ છે.
