ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભારોભાર છુપાયેલા ભ્રષ્ટાચાર સામે કાનપુર ગામના સ્થાનિક અરજદાર અને આમ આદમી પાર્ટી પંચમહાલના પ્રમુખ દિનેશ બારીઆએ જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માંગેલ વિગતોના જવાબો બિલકુલ આપવાના નથી એવા ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના ભ્રષ્ટાચાર સલામત રહે એવા વહીવટી વલણ સામે કાનપુરના સ્થાનિક રહીશોને હાજરીમાં વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારા કસૂરવાર કર્મચારીઓને જો સસ્પેન્ડ કરવામાં નહિ આવે તો આગામી તા.૨૦મી બાદ કોઈપણ સમયે કાનપુર ગ્રામ પંચાયત કચેરી સમક્ષ આત્મવિલોપન કરવાની લેખિત ચીમકી આપતા જિલ્લા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.
ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો તથા વિવિધ ગ્રાન્ટ બાબતે માહિતી મેળવવા ગામના નાગરિક દિનેશ બારીઆએ જૂન મહિનામાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. તેમ છતાં ચાર મહિના જેટલો સમય વિતી ગયા પછી પણ હજુ સુધી પુરી માહિતીના જવાબો આપવામાં આવ્યા નથી. તાલુકા વિકાસ અધિકારી, ઘોઘંબા તથા જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલનાઓને પણ સમયાંતરે અપીલ અરજીઓ કરવામાં આવી હતી. તા.૦૧/૦૯/૨૦૨૧ના રોજ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલને અપીલ અરજી સાથે ગામમાં થયેલા વિકાસના કામોની તપાસ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ કોઇ જ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારને દબાવી દેવાની તથા ભ્રષ્ટાચારીઓને બચાવવાની જવાબદારી મળી હોય તેમ જણાવતા અરજદાર દિનેશ બારીઆએ આજ રોજ કાનપુર ગામના નાગરિકોને સાથે લઈને સ્થળ તપાસ કરી હતી અને ગામલોકોની રજૂઆતો પણ સાંભળી હતી.
આવાસના કામો, સી.સી.રોડ, કેટલ શેડ, શૌચાલય, પેવર બ્લોક જેવા તમામ કામોમાં ગેરરીતિઓ જોવા મળે છે.જાણવા મળ્યા મુજબ કેટલાક ફળીયામાં જે કામો પેપર પર જ કરવામાં આવ્યા હતા તે કામો તાબડતોબ તાત્કાલિક ધોરણે ચાલું કરવામાં આવ્યા છે. તલાટી કમ મંત્રીને આ કામોના વર્કઓર્ડર અને કામના મંજૂરી પત્રકો માંગવામાં આવતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને કાલે આપીશ એવું જણાવવામાં આવ્યું હતું. એક સામાન્ય નાગરિક ગામોમાં કરેલા વિકાસના કામો, આવેલ ગ્રાન્ટ બાબતે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી માંગે અને તેમાંય જવાબદાર અધિકારીઓ દ્વારા માહિતી અપાવવા ઉદાસીન બને ત્યારે સ્વભાવિક સવાલ ઉભો થાય છે.ત્યારે આજ રોજ ગામના નાગરિક દિનેશ બારીઆએ ભ્રષ્ટાચારની તપાસ માટે તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા, જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને માહિતી આયોગમાં તપાસ કરાવવા માટે અરજી કરવામાં આવી છે.આ તપાસ અરજી પર તા: ૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં કાયદેસરની તપાસ કરવામાં આવે અને જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તા.૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં આ તપાસ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદાર કર્મચારીઓ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તા.૨૦/૧૦/૨૦૨૧ પછી કોઈ પણ દિવસે, કોઇ પણ સમયે ગ્રામ પંચાયત કચેરી કાનપુર ખાતે આત્મવિલોપન કરવાની સૂચના તરીકે લેખીત રજુઆત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, માહિતી આયોગ, પોલીસ ઇન્સ્પેક્ટર ઘોઘંબા તથા ગૃહ વિભાગ ગાંધીનગરને ઇ-મેઇલ તથા વૉટ્સએપ મેસેજથી જાણ કરવામાં આવનાર છે.
