ભારત અને ચીન સરહદ વિવાદ પર શનિવારે 12 મી રાઉન્ડની મંત્રણા કરી રહ્યા છે. આ સંવાદ કોર્પ્સ કમાન્ડરના સ્તરે છે અને તેનું આયોજન લદ્દાખમાં ચીની બાજુ સ્થિત માલ્ડોમાં કરવામાં આવ્યું છે. લશ્કરી વાટાઘાટોની વાતચીત અંગે એવું માનવામાં આવે છે કે ભારત હોટ સ્પ્રિંગ અને ગોગરામાં સૈનિકો પાછી ખેંચવાની પ્રક્રિયા પર સકારાત્મક પરિણામની અપેક્ષા રાખે છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ 9 એપ્રિલે યોજાયો હતો. ત્યારે ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે સરહદ પર તણાવ ઓછો કરવા માટે, ચીન તે તમામ ક્ષેત્રોમાંથી પીછેહઠ કરે તે જરૂરી છે જેને બંને દેશ વિવાદિત માને છે.
અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે લશ્કરી મંત્રણાના 11 રાઉન્ડ થઈ ચૂક્યા છે અને તેનાથી પેંગોંગ તળાવની બંને બાજુના વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવામાં પણ મદદ મળી છે. આ વખતે લગભગ સાડા ત્રણ મહિના પછી બેઠક યોજાઈ રહી છે અને આ વિલંબ પાછળનું કારણ એ છે કે ચીન તરફથી સતત ઇનકાર થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2021 માં પેંગોંગ તળાવમાંથી ચીની સૈનિકો પાછા ખેંચાયા બાદ ચીનનું વલણ બદલાઈ ગયું છે.
જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ના ભાગોમાંથી આ વર્ષે ફેબ્રુઆરીમાં સૈનિકો પાછી ખેંચાયા બાદ ચીનનું વલણ બદલાઈ ગયું છે. તેને બાકીનામાંથી તેના સૈનિકોને પાછા ખેંચવામાં રસ નથી. આ અંગે બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આજે યોજાનારી કોર્પ કમાન્ડર કક્ષાની મંત્રણામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચીને મે 2020 માં LAC નું ઉલ્લંઘન કર્યું હતું. તણાવ વધ્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત શરૂ થઈ. 25 જૂન, 2021 ના રોજ, બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે વાતચીત થઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે.

