@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં કોંગ્રેસને અનેક વખત તક મળી. પણ ખબર નહી કોંગ્રેસ એક પણ તક ઝડપી શકી નથી. જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવીને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી હોય તો કોંગ્રેસની નેતાગીરીએ તેમાંથી લેસન લેવું જોઇએ. કે એવા કયા કારણો છે જેનાથી ગુજરાતમાં કોંગ્રેસ લોકોને મનાવવામાં સફળ થતી જ નથી. દર વખતની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન નિમ્નસ્તરનું બની ગયુ છે.

મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસની ભૂંડી રીતે હાર કોઇ નવી વાત નથી. દરેક ચૂંટણીઓ પછી મંથન કરવાની વાત કરતાં કોંગ્રેસના નેતાઓ આ ચૂંટણીઓ પછી જાહેરમાં પણ દેખાતા અચકાયા છે. કારણ કે જે પરિણામો આવ્યા છે તેમાં સૌથી વધારે ઝટકો જો કોઇને લાગ્યો હોય તો તે એક માત્ર કોંગ્રેસ છે. જે સુરતમાં તો એક બેઠક પણ જીતી શકી નથી. તો છ મહાનગરપાલિકાની તમામ બેઠકોમાંથી માંડ પચાસે પણ પહોચી છે. આવુ થવાના કારણો તો લગભગ સ્પષ્ટ જ છે.
Political / આમ આદમી પાર્ટીની આ જીત આવનારા દિવસોમાં ભાજપ માટે પડકાર અને કોંગ્રેસ માટે રકાસનું કારણ બની શકે છે
કોંગ્રેસની ગુજરાતની નેતાગીરીને મંથન કરવાની વધુ એક તક મળી છે. આમ તો ગુજરાતમાં ભાજપ પછી જો કોઇ હોય તો એ કોંગ્રેસ હતી. અને સમયાંતરે કોંગ્રેસને ગુજરાતમાં બેઠા થવા માટેની તકો પણ મળી, પણ એક પણ તકનો ઉપયોગ કોંગ્રેસ ન કરી શકી. અને પરિણામ સૌની સામે છે કે કોંગ્રેસ પર આ વખતે સ્ટીમ રોલર ફરી વળ્યુ છે. કોંગ્રેસની આ કારમી હાર માટે કોને જવાબદાર ગણવા તે અઘરૂ છે. પણ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સુંપડા સાફ થયા બાદ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

કદાચ આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે છેલ્લી ચૂંટણી બની રહેશે. જો કે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આઠેય બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. અને તે વખતથી જ કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે. પેટાચૂંટણી વખતે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો નૈતિક જવાબદારી સ્વિકારી અને રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતાં જે સ્વિકારાયા ન હતાં.

જોકે, સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કરવા વધુ એક તક અપાઇ હતી. પણ ગુજરાત કોંગ્રેસમાં કોઇ ઝાઝો ફરક ન પડયો. સૌથી મોટો સવાલ ગુજરાતમાં કોંગ્રેસના પારદર્શક વહીવટ સામે ઉભો થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ કોંગ્રેસના નેતાઓએ પારદર્શક રીતે ટિકિટની વહેંચણી કરવાને બદલે રીતસર ભાગબટાઇ કરી હતી. ખુદ કોંગ્રેસના કાર્યકરોએ લાખો રૂપિયામાં ટિકિટો વેચાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. જો શરૂઆત જ આટલી નબળી હોય ત્યારે લોકો કેવી રીતે ભરોસો મુકી શકે. જો કે ગયા વર્ષે જ જુલાઈ મહિનામાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. પાટીદાર અનામત આંદોલનના નામે એક ચહેરા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલે આખા ગુજરાતમાં ધમધોકાર પ્રચાર કર્યો હતો. પરંતુ પરિણામ સામે આવતા હાર્દિક પટેલ ઉંધા માથે પટકાયો હતો. હાર્દિકે તો અમદાવાદમાં સંપૂર્ણ તાકાત કામે લગાડી દીધી હતી. તમામ વોર્ડોમાં રેલીઓ પણ કરી હતી. તેમ છતાંયે કોંગ્રેસની એ હદે કારમી હાર થઈ કે તેને દૂરબીન લઇને શોધવા નિકળવું પડે. ભાજપે કોંગ્રેસના છોતરા કાઢી નાખ્યા હતાં.

સૌથી મોટી નાલેશીભરી હાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળી છે. જયાં ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યુ છે. આ ચૂંટણીનાં પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે. અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી. જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી.
Political / ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે
Political / હાર્દિકને બદલે સુરતમાં આપનો જાદૂ ચાલી ગયો, અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ
કહેવાય છે કે રાજકારણમાં કશું કાયમી નથી હોતું પરંતુ આ કથન કોંગ્રેસ માટે કદી સાર્થક થઈ શક્યું નથી. 1995ની ચૂંટણીમાં કરુણ રકાસ થયો એ પછી કોંગ્રેસને દેખાવ સુધારવાની તક હતી. પણ કોંગ્રેસ એક પણ તકને જીતમાં ન બદલી શકી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરીને. કોંગ્રેસે સુરતમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેના આક્રોશને એન્કેશ કરવાનો વ્યૂહ ઘડયો. પણ તે સદંતર નિષ્ફળ રહ્યો હતો. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનું સુરતમાં કોઈ માનતું નથી. અને પાટીદાર આંદોલન સમિતિના નેતાઓને ટિકિટ આપવાની આખી ફોર્મ્યુલાને હાર્દિકે ડિરેલ કરી દીધી. પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીએ આ તકનો લાભ લઈને. પાટીદારોને ટિકિટ આપી અને આપે કોંગ્રેસ પર બરાબરનું ઝાડું ફેરવી દીધું.
