ભારતીય ક્રિકેટ ટીમના સૌથી આક્રમક પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર ટાઈટલ ‘દાદા’ (Dada) જાહેર કરીને મુખ્ય અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. જો કે, પોસ્ટર સામે આવતાની સાથે જ ચાહકોમાં ઉત્સાહ વધવાને બદલે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. ક્રિકેટના ઈતિહાસની સૌથી યાદગાર ક્ષણને કંડારતા આ પોસ્ટરને નબળા ફોટોશોપ કામના કારણે ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે.
લોર્ડ્સની બાલ્કની (LordsBalcony)વાળો એ ઐતિહાસિક અંદાજ
ફિલ્મના આ વિવાદાસ્પદ પોસ્ટરમાં રાજકુમાર રાવ ક્રિકેટના મક્કા ગણાતા લંડનના ‘લોર્ડ્સ’ સ્ટેડિયમની બાલ્કનીમાં ઉભેલા દેખાય છે. તેમણે બ્લુ કલરનું ક્રિકેટ ટ્રાઉઝર પહેરેલું છે અને હાથમાં ટીમ ઈન્ડિયાની જર્સી લહેરાવી રહ્યા છે. આ લુક વર્ષ 2002ની એ રોમાંચક ક્ષણની યાદ અપાવે છે જ્યારે નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ દાદાએ ગુસ્સામાં આવીને પોતાનું શર્ટ હવામાં ફેરવ્યું હતું. આ ક્ષણ ભારતીય ક્રિકેટના આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે.
મોટા પડદા પર જોવા મળશે ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ની સફર
‘દાદા’ ફિલ્મમાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના પ્રારંભિક જીવન, ભારતીય ટીમમાં પુનરાગમન, મજબૂત કેપ્ટનશીપ અને મેદાનની અંદર તેમજ બહારના વિવાદો-સંઘર્ષોને વિગતવાર બતાવવામાં આવશે. રાજકુમાર રાવના કરિયરની આ પહેલી સ્પોર્ટ્સ બાયોપિક છે, જેમાં તેઓ ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યા છે. ચર્ચા છે કે ગાંગુલીની વિશિષ્ટ બેટિંગ સ્ટાઈલ અને બોડી લેંગ્વેજ શીખવા માટે રાજકુમારે મહિનાઓ સુધી સખત નેટ પ્રેક્ટિસ કરી છે.
“AI આનાથી સારું એડિટિંગ કરત…” – યુઝર્સે ઉતાર્યો ગુસ્સો
સિનેમાપ્રેમીઓ અને ક્રિકેટ ફેન્સને આ ફર્સ્ટ લુક બિલકુલ પસંદ આવ્યો નથી. ઘણા લોકો રાજકુમાર રાવના લુકને દાદાના વ્યક્તિત્વ સાથે સરખાવી શકતા નથી.સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવ્યો છે, જેમાં એક યુઝરે લખ્યું, “પોસ્ટર જોઈને એવું લાગે છે કે ગઈકાલે જ કોઈએ ફોટોશોપ શીખીને ઉતાવળમાં ફેસ-સ્વેપ (ચેહરો બદલવાનું) કામ કર્યું હોય!” અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કે ચેટ જીપીટીના જમાનામાં આટલું ખરાબ એડિટિંગ અસ્વીકાર્ય છે, મેકર્સ આનાથી વધુ યોગ્ય કલાકારની પસંદગી કરી શક્યા હોત.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
“તેમણે માત્ર રમ્યું જ નહીં, તેમણે રમત બદલી નાખી” આ શક્તિશાળી ટેગલાઈન સાથે આવી રહેલી આ બાયોપિક આગામી વર્ષે 14 મે, 2027 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ભલે પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી હોય, પરંતુ રાજકુમારના પ્રશંસકોનું માનવું છે કે માત્ર એક તસવીરથી અભિનેતાના હુનરનો અંદાજો ન લગાવી શકાય. હવે સૌ કોઈ આ ફિલ્મના સત્તાવાર ટીઝરની રાહ જોઈ રહ્યા છે જેથી વાસ્તવિક ઓન-સ્ક્રીન ડ્રામા સમજી શકાય.
