વિકાસના અનેક દાવા વચ્ચે લાખણી તાલુકાનું ધાણા ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. વિકાસની માત્ર વાતો થઈ હોય તેવું ગામને જોઈને લાગી રહ્યું છે. ત્યારે ગામના લોકો હવે સરકાર પાસે ગામના વિકાસની માંગ કરી રહ્યાં છે.
- હરતા ફરતા પશુ દવાખાનાની પણ સુવિધા નહીં
- 1 હજાર બાળકો પણ એક પણ શાળા નહીં
રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની યોજના થકી ગામનો વિકાસ કરવાની કોશિશ કરી છે. ત્યારે લાખણી તાલુકાના ધાણા ગામ સ્થાનિક તંત્રના પાપે વિકાસથી વંચીત રહ્યું છે. ગામમાં ન રોડ, ન રસ્તા, ન આરોગ્ય સુવિધા, ના શિક્ષણ. ગામ તમામ પ્રકારની સુવિધાથી વંચીત છે. આ ગામને જોતા લાગે છે કે સરકાર દ્વારા વિકાસની વાત માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે.

ગામમાં 10 હજાર કરતા પશુઓ છે. દૂધ ઉત્પાદનમાં તાલુકામાં પ્રથમ છે. છતાં ગામમાં એક પણ આરોગ્ય લક્ષી સુવિધા પશુઓ માટે નથી.સાથોસાથ પીવાના પાણીની સમસ્યા પણ એટલી જ મોટી છે.

ગામની જર્જરિત ટાંકી ગમે ત્યારે અકસ્માત સર્જે એવી સ્થિતિ છે. 2017 માં આવેલા પુરમાં તારાજ ગામ હજુ સુધી બેઠું થઈ શક્યુ નથી. ગામના રસ્તા પર દબાણનો રાફડો ફાટ્યો છે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની સફળ નીતિ ધાણા ગામમાં સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે વિકાસને ગ્રહણ લાગ્યું છે. ત્યારે જોવાનુંએ રહ્યું કે તાલુકા અને જિલ્લા તંત્ર ક્યારે આ ગામને વિકાસનો માર્ગ બતાવી ગોકુળિયું ગામ બનાવે છે.
