Panchmahal News/ જાંબુઘોડામાં MNREGA ભ્રષ્ટાચારનો વિસ્ફોટ, 42 હજારની વસ્તીમાં 300 કરોડનો ખર્ચ

MNREGA ભ્રષ્ટાચાર અને ઔદ્યોગિક પ્રદૂષણ બંને મુદ્દાઓ પર તાત્કાલિક તપાસની માંગ

Gujarat Others
MNREGA

Panchmahal News : જાંબુઘોડા તાલુકામાં MNREGA યોજનાને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. માત્ર 42 હજારની વસ્તી ધરાવતા આ તાલુકામાં 26 ગ્રામ પંચાયત અને એક જિલ્લા પંચાયતની બેઠક છે, જ્યાં છેલ્લા ચાર વર્ષમાં મનરેગા યોજના હેઠળ અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના આંકડા સામે આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી 216 કરોડ રૂપિયા માત્ર મટીરિયલ ખર્ચમાં વપરાયા હોવાનું જણાવવામાં આવે છે.

સામાન્ય રીતે MNREGA યોજના અંતર્ગત સમગ્ર દેશમાં લેબર અને મટીરિયલ ખર્ચનો રેશિયો 60:40 રાખવામાં આવે છે, પરંતુ જાંબુઘોડા તાલુકામાં આ રેશિયો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હોવાનો આક્ષેપ છે. અહીં મટીરિયલ પર 78 ટકા અને મજૂરી પર માત્ર 22 ટકા ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આ મોટો તફાવત MNREGA માં ગંભીર ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.

MNREGA અંતર્ગત અનેક સ્થળોએ કાગળ પર કામ પૂરું બતાવવામાં આવ્યું

MNREGA અંતર્ગત અનેક સ્થળોએ કાગળ પર કામ પૂરું બતાવવામાં આવ્યું

આ મામલે સૌથી ગંભીર આક્ષેપ એવો છે કે ભાજપના એક મોટા નેતાની પોતાની ચાર ખાનગી એજન્સીઓ મારફતે 200 કરોડ રૂપિયાથી વધુનું મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે. આ એજન્સીઓ દ્વારા થયેલા સપ્લાયમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો ઉઠી છે. અનેક સ્થળોએ કાગળ પર કામ પૂરું બતાવવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં ત્યાં કોઈ કામ થયું જ નથી, એવા દ્રશ્ય પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક લોકોએ આ અંગે અનેક વખત પ્રશાસન સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ તપાસ શરૂ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાનું કહેવું છે કે જો પુરાવા હોવા છતાં તપાસ ન થાય તો તે પ્રશાસનની મિલીભગત તરફ ઈશારો કરે છે. લોકો ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે MNREGA યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના જવાબદારોને જેલમાં મોકલવામાં આવે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે.

બીજી તરફ, જાંબુઘોડા વિસ્તારની ગુજરાત ફ્લોરો કંપની પણ વિવાદના કેન્દ્રમાં આવી છે. કંપનીમાંથી પ્રદૂષિત અને ઝેરી ધુમાડો નીકળતો હોવાના આક્ષેપો સતત થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ પ્રદૂષણના કારણે અનેક લોકોના મોત થયા છે તેમજ જિલ્લાનો પ્રદૂષણ સ્તર ગંભીર રીતે વધી ગયો છે. તેમ છતાં સંબંધિત વિભાગો દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ તમામ મુદ્દાઓને લઈને જાંબુઘોડા તાલુકામાં લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. MNREGA ભ્રષ્ટાચાર અને ઔદ્યોગિક પ્રદૂષણ બંને મુદ્દાઓ પર તાત્કાલિક તપાસ, જવાબદારી નક્કી કરવી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ જનતા દ્વારા ઉઠી રહી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં આક્રોશ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MNREGA Scam : મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડ

આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં ફરી ધૂણ્યું મનરેગા કૌભાંડનું ભૂત, ચાર સામે ગુનો નોંધાતા ખળભળાટ

આ પણ વાંચો: મનરેગા અધૂરી રહી ગુજરાતમાં: 100 દિવસની ગેરંટી છતાં મજૂરોને મળ્યા માત્ર 49 દિવસ, અન્ય રાજ્યો આગળ