AMC Illegal Parking Action: અમદાવાદના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નિકોલ–નરોડા રોડ પર પાર્કિંગની અવ્યવસ્થા અને ટ્રાફિક અવરોધને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેલ્બી હોસ્પિટલ સામે આવેલા આર્શિવાદ એવેન્યુ કોમર્શિયલ અને રહેણાંક કોમ્પલેક્ષમાં રોડ પર પાર્કિંગ કરાવાતા રોજિંદી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી.
બેઝમેન્ટ પાર્કિંગ હોવા છતાં રોડ પર વાહનો
AMCની તપાસમાં સામે આવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 19 કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવવામાં આવતા હતા, જ્યારે બિલ્ડિંગમાં પૂરતું બેઝમેન્ટ પાર્કિંગ ઉપલબ્ધ હતું. પરિણામે નિકોલ–નરોડા રોડ પર સતત વાહનવ્યવહાર અવરોધાતો હતો.
બેઝમેન્ટનો રસ્તો બંધ કરી દબાણ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેઝમેન્ટ પાર્કિંગમાં જવાના પ્રવેશ માર્ગ પર ગેટ લગાવી લોક મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તે જ રસ્તા પર લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ ઉભા રાખી દબાણ કરવામાં આવ્યું હતું. આ સ્થિતિને પગલે અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ અને સંબંધિત ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

ગેટનું લોક તોડી રસ્તો ખુલ્લો કર્યો
તંત્ર દ્વારા બેઝમેન્ટમાં પ્રવેશ માટે લગાવવામાં આવેલ લોક તોડી પાર્કિંગનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો. સાથે સાથે પ્રવેશ માર્ગ પર ઉભા તમામ લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ હટાવવામાં આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોરના દુકાનદારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પોતાના તેમજ ગ્રાહકોના વાહનો ફરજિયાત રીતે બેઝમેન્ટ પાર્કિંગમાં જ પાર્ક કરાવવાના રહેશે.
AMC દ્વારા શહેરવ્યાપી દબાણ હટાવવાની કાર્યવાહી
AMCના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા 29 ડિસેમ્બર 2024ના રોજ શહેરના વિવિધ ઝોનમાં દબાણ હટાવવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 93 દબાણકારક લારીઓ અને ઠેલાં દૂર કરવામાં આવ્યા, જ્યારે 22 શેડ દૂર કરાયા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹1,18,600નો દંડ પણ વસૂલવામાં આવ્યો હોવાનું AMCએ જણાવ્યું છે.

‘આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં પણ બેઝમેન્ટ પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ ન કરીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ અથવા દબાણ કરવામાં આવશે, ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર માર્ગો ખુલ્લા રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બને તે AMCની પ્રાથમિકતા હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો: ICUમાં દર્દી સુરક્ષિત છે ખરા? અમદાવાદ SVP હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ!
આ પણ વાંચો: GTU ફરી વિવાદમાં, સંલગ્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આક્ષેપ
આ પણ વાંચો: AMCનું નઘરોળ તંત્ર, હેરિટેજ સરખેજ રોજા તળાવ દુર્ગંધમાં ફેરવાયું
