અમદાવાદ/ બાળકોને મળવા ન દેતા પતિએ પત્ની સાથે કરી મારઝૂડ બાદમાં આપી આવી ધમકી

રાણીપમાં રહેતી મહિલાને પતિ સાથે મનમેળ ન હોવાથી પિયરમાં બાળકો સાથે રહેતી હતી. દરમિયાન બાળકોને મળવા આવેલા પતિને પત્નીએ મળવા દેવાનો ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની અને સસરાને મારઝૂડ કરી હતી.

Ahmedabad Gujarat
પતિ

રાણીપમાં રહેતી મહિલાને પતિ સાથે મનમેળ ન હોવાથી પિયરમાં બાળકો સાથે રહેતી હતી. દરમિયાન બાળકોને મળવા આવેલા પતિને પત્નીએ મળવા દેવાનો ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની અને સસરાને મારઝૂડ કરી હતી. રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ પ્રાઇવેટ નોકરી કરતા તેજલબેન મોનાકભાઈ પાટડીયા (31) પતિ સાથે મનમેળ ન હોવાથી તેમના પિતાના રાણીપના શ્રીનગર વિભાગ 3 માં આવેલા ઘરે બે બાળકો સાથે રહેતા હતા. પતિ સાથે મનમેળ ન હોવાથી તેજલબેન 8 મહિનાથી પિયરમાં રહેતા હતા. ફેમિલી કોર્ટમાં તેમનો છૂટાછેડા નો કેસ ચાલી રહ્યો છે.

14 ઓગસ્ટની રાત્રે 11:45 વાગે તેજલબેન તેમના પિતાના ઘરે બાળકો સાથે હાજર હતા ત્યારે મોનાકભાઈ કાર લઈને તેમના ઘરે આવ્યા હતા. તેમણે તેજલબેનને અને બાળકોને મળવું છે એમ કહેતા તેજલબેનને રાતનો સમય હોવાથી મળવાની ના કહી હતી. આથી મોનાકભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મને મારા દીકરાને મળવા દેતા નથી માટે હું આત્મહત્યા કરવા જાઉં છું એવો મેસેજ કર્યો હતો. બીજી તરફ કંટ્રોલ રૂમના કર્મચારીએ તેજલબેનને ફોન કરીને વાત કરતા તેજલબેને કહ્યું હતું કે તેમના પતિ અગાઉ પણ તેમને માનસિક રીતે હેરાન કરતા હતા અને આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી ડરાવતા હતા. એટલું જ નહીં અવારનવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપતા હોવાનું પણ જણાવ્યું હતું.

બીજી તરફ પતિએ કારમાં બેસીને જોર જોરથી હોર્ન વગાડવાનું ચાલુ કરી તમાશો કરતા તેજલ બેન અને તેમના પિતા ઘરની બહાર આવ્યા હતા અને તેમને હોર્ન ન વગાડવા કહ્યુ હતું. અંતે આ તમાશાથી કંટાળીને તેજલબેન અને તેમના પિતાએ લાકડી વડે કારનો ડ્રાઇવર સાઇડનો  કાચ તોડી નાખ્યો હતો. તેજલ બેનએ ચાવી વડે કાર બંધ કરી દેતા ઉશ્કેરાલા પતિએ તેજલબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. તેજલ બેન ના પિતા ભરતભાઈ વચ્ચે પડતા મોનાકભાઈએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. તું કે તારો પરિવાર મને મારા દીકરાઓને મળવા કેવી રીતે રોકી શકો છો હું તમને બધાને જાનથી મારી નાખીશ એવી પતિએ ધમકી આપી હતી. બાદમાં પતિ તેની કાર અચાનક તેજલ બેનના ઘરના ઓટલા પર ચડાવી દેતા કાર અટકીને બંધ થઈ ગઈ હતી. તેજલબેન પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ ઘરે આવી પહોંચી હતી. શરીરે લોહી નીકળતું હોવાથી પોલીસ તેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી.

આ પણ વાંચો:મુંબઈ પોલીસે 513 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું, જેની કિંમત એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે

આ પણ વાંચો:પોતાની ફી ઓછી કરે બોલિવૂડ સ્ટાર્સ, હિન્દી ફિલ્મો ફ્લોપ થવા પર ભાજપના નેતાનું સૂચન

આ પણ વાંચો:નવાઝ શરીફનો ‘વનવાસ’ સમાપ્ત, આવતા મહિને લંડનથી પાકિસ્તાન પરત ફરશે