વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂતાન મુલાકાત શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, તેમની ભૂતાનની બે દિવસીય મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ વેગ આપશે અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેને મજબૂત બનાવશે. વડા પ્રધાને કહ્યું કે, તેમની સરકારનાં વર્તમાન કાર્યકાળની શરૂઆતમાં આ મુલાકાત બતાવે છે કે ભારત આપણા વિશ્વસનીય મિત્ર અને પાડોશી ભૂતાન સાથેનાં સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે.
મોદીએ તેમના પ્રસ્થાન સંબંધી નિવેદનમાં કહ્યું કે, ‘ભારત અને ભૂતાન વચ્ચે ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો છે અને આપણી વિસ્તૃત વિકાસ ભાગીદારી, બંને દેશો માટે ફાયદાકારક જળવિદ્યાનો સહયોગ અને મજબૂત વેપાર સાથે આર્થિક સંબંધો તેના દાખલા છે. આપણો આધ્યાત્મિક વારસો અને લોકો વચ્ચેનાં મજબૂત પરસ્પર જોડાણો તેને વધુ મજબૂત બનાવે છે.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે મારી મુલાકાત ભૂતાન સાથે સમયની કસોટી પર ખરી ઉતરશે અને અમારી મૂલ્યવાન મિત્રતાને પ્રોત્સાહિત કરશે, અને બંને દેશોનાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધ ભાવિને વધુ મજબૂત કરશે.’ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત-ભૂતાન ભાગીદારી એ ‘પાડોશી પહેલ’ ની ભારતની નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
દરમિયાન વડા પ્રધાન મોદી ભૂતાનનાં નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂતાનનાં ચોથા નરેશ જિગ્મે સિગ્યે વાંગચુકની સાથે મુલાકાત કરશે. તેઓ તેમના ભૂતાની સમકક્ષ ડૉ. લોટે શેરિંગ સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, તે ભૂતાનનાં નરેશ, ભૂતાનનાં ભૂતપૂર્વ નરેશ અને ભૂતાનનાં વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય સંબંધો પર ફળદાયી વાટાઘાટો કરવા માટે ઉત્સાહિત છે. પીએમ મોદી આ મુલાકાતમાં ભૂતાનની પ્રતિષ્ઠિત ‘રોયલ યુનિવર્સિટી’ ના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
