National News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)સામે વિરોધ પ્રદર્શનને લઈને દેશના બે મોટા શહેરો મુંબઈ અને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધ પહેલાં AAP નેતા સૌરભ ભારદ્વાજ (AAP Saurabh Bharadwajસહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અહેવાલો મુજબ AISA સહિત વિવિધ સંગઠનો સાથે જોડાયેલા દેખાવકારોને પણ અટકાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં 700 જેટલા દેખાવકારોની અટકાયત
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન (Jantar Mantar Protest)શરૂ થાય તે પહેલાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. AAP નેતા સૌરભ ભારદ્વાજ અને અન્ય કાર્યકરોને પોલીસે સ્થળ પરથી હટાવ્યા હતા. કેટલાક અહેવાલોમાં કુલ 700 જેટલા દેખાવકારોની અટકાયતનો ઉલ્લેખ છે. દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર ખાતે વિરોધ માટે મંજૂરી આપવામાં આવી નહોતી.
નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. તેના કારણે અનધિકૃત સભા, પ્રદર્શન અને સરઘસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
11 મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોએ 11 સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી છે. તેમાં જનપથ, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરિયટ, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડિ હાઉસ, લોક કલ્યાણ માર્ગ, INA, ચાવડી બજાર, રામકૃષ્ણ આશ્રમ માર્ગ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. કેટલાક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ચાલુ રાખવામાં આવી છે.
જંતર-મંતર, સંસદ માર્ગ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ અને બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.
મુંબઈના શિવાજી પાર્કમાં પણ સુરક્ષા કડક
મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન (Mumbai Protest)ને લઈને શિવાજી પાર્ક વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 2 ઓક્ટોબરે શિવાજી પાર્ક ખાતે વિરોધ (CJP Protest)નું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. સંગઠનના નેતા અભિજીત દીપકેએ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે, જે બાદમાં દિલ્હીના જંતર-મંતર સુધી લઈ જવાની વાત કરવામાં આવી છે.
સ્થાનિક વેપારીઓએ વારંવાર થતા પ્રદર્શનને કારણે ધંધા-રોજગારને અસર થવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
CJPની ત્રણ મુખ્ય માગ શું છે?
CJP દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીને લઈને ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી છે:
- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે.
- મતદાર યાદીને ફ્રીઝ કરવામાં આવે.
- સિવિલ સોસાયટીની ભાગીદારી સાથે આગામી ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે.
CJPના જણાવ્યા મુજબ, મુંબઈથી શરૂ થનાર વિરોધને દેશના અન્ય ભાગોમાં લઈ જવામાં આવશે અને અંતે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટું આંદોલન યોજવાની યોજના છે. બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી અંગેના આક્ષેપો સામે ચૂંટણી તંત્રની પોતાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે; આ મુદ્દે રાજકીય અને નાગરિક સંગઠનો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મુંબઈ અને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ તથા વહીવટી તંત્ર એલર્ટ પર છે.
