Patan News/ હારિજ નગરપાલિકામાં આગામી સામાન્ય ચૂંટણીને લઈને લોકોમાં રોષ, પ્રજા ગટરનું પાણી પીવે અને કોર્પોરેટરો મિનરલ વોટર

ચૂંટણીમાં દરેક પક્ષે એકબીજા સમાજના જ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી હારીજમા જ્ઞાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું છે

Top Stories Gujarat Breaking News

Patan news :   પાટણ જિલ્લાના હારિજ નગરપાલિકાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મલી રહ્યો છે. ગંદકી, ટ્રાફિક સમસ્યા જેના પ્રશ્નોને લઈને લોકોમાં રોષ વ્યાપેલો છે. જિલ્લાના હારિજ નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે 6 વોર્ડની 24 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 57 ઉમેદવાર મેદાનમાં છે. હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી તેજ બનાવવામાં આવી છે, જેને પગલે હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવો માહોલ હારીજમાં જોવા મળી રહ્યો છે.

હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજીતરફ રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાઓ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની હોય એવું દ્રશ્ય જોવા મળે છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નેતાઓ ચૂંટણી ટાણે મત માગવા આવે પછી અમને ઊંઘની ગોળીઓ પીવડાઇને પોતે પણ સૂઇ જાય. ફરીવાર ચૂંટણી આવે ત્યારે જ જોવા મળે છે. તો બીજી તરફ શહેરમાં અન્ય જગ્યાએ તો ઠીક, પણ પાલિકા પ્રમુખની ચેમ્બરની બાજુની ઓફિસમાં જ ગંદકી સાથે પાનની પિચકારીઓ મારેલી જોવા મળે છે.

હારીજ શહેરના મેઇન બજાર વિસ્તારમાં માર્ગો પર ઠેર ઠેર ભૂગર્ભ ગટરનાં ઢાંકણાં તૂટેલાં તેમજ માર્ગો પર ખાડા-ટ્રાફિકની મહદંશે સમસ્યાઓ નજરે પડતી હતી.. તો શહેરના નગરપાલિકા નજીકના સરદાર ચોકમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની લાઈનોમાંથી દૂષિત પાણી માર્ગ પર જોવા મળ્યું હતું, એના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સહિત લોકો યાતના ભોગવી રહેલા નજરે પડ્યા હતા.

શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિસ્તારમાં પાર્ટીના સિમ્બોલવાળા ધજા-પતાકા સાથે ઉમેદવારો મતદારોને અપીલ કરતાં બેનરો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વોર્ડ નંબર 6ના સોસાયટી વિસ્તાર સહિત મહોલ્લા-પોળોમાં નાનાં બાળકો સાથે પ્રચાર કરતા હતાં.

શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા હાઈવે નજીકના ધૂણિયા વિસ્તારમાં પ્રવેશ કરતાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે સિમેન્ટની પાઇપો માર્ગો પર પડેલી જોવા મળી હતી. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. તો આ વિસ્તારના કેટલાક રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું, નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ વિસ્તારની મુલાકાતે આવે છે, પરંતુ ત્યાર બાદ એક પણ નેતા મુલાકાતે નથી આવતા.

જેના કારણે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવી શકતું નથી. વિસ્તારમાં ઠેર ઠેર ઊભરાતી ભૂગર્ભ ગટરની ગંદકીમાં વિસ્તારના રહીશો સહિત આંગણવાડીનાં બાળકોને પસાર થવાની ફરજ પડે છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળે એવી દહેશત પણ ઊભી થવા પામી છે. આ વિસ્તારમાં ગંદકીને લઈને બીમારીમાં સપડાયેલી એક માસૂમ બાળકી તેમજ એક વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું પણ વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યા હતાં. એક સ્થાનિકનું કહેવું છે કે વોટ લેવાનો એટલે સફાઈ કરવા આવે, પછી જોવા પણ આવતા નથી. ચૂંટણી આવી છે એટલે છેલ્લા 10 દિવસથી સારું છે. કલેક્ટર હારીજમાં આવે તો આખું હારીજ સાફ કરી નાખે, પછી કંઈ નહીં, પછી જૈસે થે તેવી પરિસ્થિતિ..એટલે સરકાર ઘડીક વાર ટૂંક સમય માટે જાગી છે, પછી સૂઈ જશે અને અમને બધાને ઊંઘની ગોળી આપી દેશે. આ લોકોનો ધંધો જ આ છે. અમારી સોસાયટીનો વિકાસ કેવો છે એ જોવો હોય તો ચોમાસામાં આવજો, ખબર પડી જશે. ચોમાસામાં લાશ લઇને પણ નીકળી નથી શકાતું. પાલિકામાં જઈ જઈને થાક્યા, હવે તેમને જે કરવું હોય એ કરે. અન્ય સ્થાનિકનું કહેવું છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગંદકી પડી છે.

સ્અથાનિકોનું કહેવું છે કે અમારાં બાળકો બીમાર થાય, મોટા પણ બીમાર થાય છે. વોટ લેવા આવે છે પછી તો જોવા પણ આવતા નથી. અહીંના એક સ્થાનિકનુ કહેવું છે કે મુખ્ય ગટર, પાણીની સમસ્યાઓ છે. આ ગંદકીમાં બાળકો આવતાં તેમના પગ સડી જાય છે, તંત્ર કઈ કાર્યવાહી કરતું નથી. ચૂંટણી આવે એટલે બધા આવે છે. તમારું કરાવી દઈશું કહીને જતા રહે છે, પણ એમાંનું કંઈ થતું નથી. ગટર, રસ્તા અને પાણીની સમસ્યાનો નિકાલ લાવે બસ, બીજું કાંઈ જોઈતું નથી.

અન્ય સ્થાનિક જણાવે છે કે અમારે ત્યાં ગટર ઊભરાવાની સમસ્યા છે. નગરપાલિકા કે મામલતદાર કોઈ સાંભળતું નથી. કલેક્ટર સુધી અરજી કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. નગરપાલિકાની ચૂંટણી આવી એટલે સૌ હાથ જોડવા આવશે, વોટ લઈને જશે પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાશે નહીં. તે સિવાય વોર્ડ 1માં મધ્યમ અને શ્રમિક પરિવારો મોટી સંખ્યામાં રહેઠાણ ધરાવે છે. ઇન્દિરાનગરમાં પીવાના પાણીમાં ગટરનું મિક્સ -પાણી આવવાની બુમરાણ ઊઠી હતી. હાલ ગટરના પાણી ઊભરાવાની, પીવાનું પૂરતું પાણી નહીં મળવાની તેમજ ગંદકીની સમસ્યા કાયમી હોવાનું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે.

આ સિવાય કોર્ટની પાછળનો દેવીપૂજક વિસ્તાર, રાવળવાસ તેમજ ખેમાસર વિસ્તારમાં પણ કાયમી ગટરો ઊભરાવાની સમસ્યા અંગે લોકોમાં રોષ છે.વોર્ડ 2માં હાઇવેની સોસાયટીઓમાં પાણીની મુખ્ય સમસ્યા હતી, પણ ચૂંટણીનું જાહેરનામું પડતાંની સાથે તંત્રએ પાણી રેગ્યુલર આપવાનું શરૂ કર્યું હોવાનું મધુવન અને શિવશક્તિ સોસાયટીના રહીશો જણાવી રહ્યા હતા. આ સિવાય હાઈવે પરની સોસાયટીઓ ધરાવતો છેવાડાનો વિસ્તાર હોઈ સીસીટીવી કેમેરા રેગ્યુલર ચાલુ થાય અને મીઠું પાણી ઘેર ઘેર આવે તેમજ ગામ તળાવ લાઈટ રોશનીથી રમણીય બને એવું લોકો ઈચ્છી રહ્યા છે.

ગંદકીની વાત કરીએ તો પાલિકા પ્રમુખની ચેમ્બરની બાજુની ચેમ્બરમાં જ અસહ્ય ગંદકી સાથે દીવાલો પર પાનની પિચકારીઓ મારેલી જોવા મળી હતી. તો પાલિકાની ઓફિસ પણ ન ધણિયાતી હોય એમ ઓફિસમાં એકપણ કર્મચારી કે અધિકારી હાજર જોવા મળ્યો નહોતો.

હારીજ શહેરની સમસ્યાને નિવારવા હારીજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીનું કહેવું છે કે હારીજ શહેરમાં છાશવારે ઊભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા એક પમ્પિંગ સ્ટેશનની જગ્યાએ ત્રણ પમ્પિંગ સ્ટેશન કાર્યરત બનાવવા જોઈએ, જેથી શહેરીજનોની મહત્ત્વની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય, જોકે તેમણે હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષે એકબીજા સમાજના જ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી હારીજમા જ્ઞાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું છે. જેને પગલે આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે તેવું લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શહેરોમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી પોલીસની ડ્રાઇવ,  અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં યોજાશે ડ્રાઇવ,  હેલ્મેટ – સીટ બેલ્ટ કેસને રોકવા કરાઇ સૂચના,  પોલીસ સીટ બેલ્ટ અને

આ પણ વાંચો: હવે તો હદ કરી!! બસ ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવા પર મળ્યો મેમો, અધિકારીઓ પણ પરેશાન

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની કાર્યવાહી, હેલ્મેટ ન પહેરવા બદલ ઓટો ચાલકનું ચલણ