Bhavnagar News : ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં 7 ઓગસ્ટના રોજ અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદાર પર ત્રણ લોકોએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો.જેથી ઘટનાની રાત્રે સુરતમાં બે હજાર પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી. જેમાં કાળાતળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું.
જે અંતર્ગત આજે(8 ઓગસ્ટ, 2025) સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો કાળા તળાવ પહોંચ્યો હતો. જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજી હતી. જ્યાં સરદારની પ્રતિમાને ફૂલહાર કરી સભાનો આરંભ કરાયો હતો. આ સભામાં પીડિત અરજણભાઈનો પુત્ર સહિતના સમાજના યુવા સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ સાંજે 6.30 વાગ્ય આરોપી રાજુ ઉલેવાને સભાસ્થળે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી 1.5 કિલો મીટર દૂર આવેલા ઘટનાસ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નીચુ માંથું રાખીને વાંકો વાંકો ચાલતો ગયો હતો. આ સમયે ગ્રામજનો અને પાટીદાર સમાજના ટોળે ટોળા ઉમટ્યા હતા
‘આ ભય અટકાવવા માટે સમાજે એક થવાની જરૂર છે’ વિજયભાઈ માંગુકિયા
સમાજના આગેવાન વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં અસામાજિક તત્ત્વોનો દિવસે ને દિવસે ભય વધતો જાય છે. આ ભય અટકાવવા માટે સમાજે એક થવાની જરૂર છે, આવાં અસામાજિક તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી કરવા આહવાન કર્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો તેમજ સુરતથી 100 જેટલી કારનો કાફલો કાળાતળાવ ગામ પહોંચ્યો હતો અને આસપાસ ના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોઈને નડવા આવ્યા નથી પણ નડે તો સોટાનો સાવરણો કરી દેવાની તૈયારી છે: અભિન કળથિયા
જ્યારે સામાજિક કાર્યકર અભિન કળથિયાએ કહ્યું કે, તમને આવા તત્ત્વો દબાવે ત્યારે ચિંતા થાય કે જવા દે ને માથાકૂટ નથી કરવા કામધંધો બંધ કરી દીકરાને સુરતથી ધક્કો નથી ખવડાવવો. બોટાદમાં એક સામાન્ય ખેડૂતને પરેશાન કરી ખોટી રીતે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા, એ દાદાએ 4 મહિના સુધી કોઈને કંઈ ન કહ્યું પણ ત્રીજી વ્યક્તિએ વાત કરી અને પોલીસે ચાર દિવસમાં કાર્યવાહી કરી તમામ રિકવરી કરી દાદાને ન્યાય અપાવ્યો. આપણે કોઈને નડવા આવ્યા નથી પણ નડે તો સોટાનો સાવરણો કરી દેવાની તૈયારી છે.
શું હતી ઘટના ?
કાળાતળાવ ગામમાં 7, ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિહોરા લિંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે ત્રણ શખસ એવા રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ આ માટી તારા બાપની છે? કેમ ભરે છે? કહીને ગાળો ભાંડી હતી. ત્યાર બાદ અરજણભાએ આ જાહેર નદી છે એમ કહેતાં રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી ઢોરમાર મારવા લાગ્યો હતો.
ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અરજણભાઈ તેમનાં પત્ની સાથે વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં રહે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા છે અને આ ત્રણેય દીકરા હાલ સુરતમાં રહે છે. પોલીસે હુમલો કરનારી ત્રણેય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. જેમાંથી વલ્લભીપુર પોલીસે આરોપી રાજુ ઉલેવાની ધરપકડ કરી હતી.
જૂની અદાવતમાં આ લોકોએ માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. તેઓએ પહેલેથી જ ટાર્ગેટ કરતા હતા અને મારવાનો મોકો શોધતા હતા.ત્રણ અસામાજિક તત્ત્વોએ વૃદ્ધ પર કોદાળીના હાથાથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન
આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા
