Kutch News:મુન્દ્રાના (Mundra) નવા બનેલા બારોઈ રોડ પર ગઈકાલે મોડી રાત્રે અકસ્માત (Accident) થયો હતો. યુ-ટર્ન લેતી વખતે એક ઈકો કારના ડ્રાઈવરે એક્ટિવા ચાલકને ટક્કર મારી અને તેને લગભગ 300 મીટર સુધી ખેંચી ગયો. સદનસીબે, એક્ટિવા ચાલક બચી ગયો.ઈકો કારે એક્ટિવા ચાલકને ફાંગોળી દીધો હતો.અકસ્માતના સીસીટીવી ફૂટેજ બતાવે છે કે મુન્દ્રાના બારોઈ રોડ પર મહાવીર સુપર સ્ટોર પાસે એક એક્ટિવા ચાલક યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે ઈકો કારે તેને ફૂટબોલની જેમ ફેંકી દીધો અને તેને ખેંચીને લઈ ગયો. ત્યારબાદ ઈકો ચાલકે પોતાની કાર રિવર્સ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડિવાઈડર સાથે અથડાયા પછી કારનું ટાયર ફાટી ગયું.
ઈકોનું ટાયર ફાટ્યા છતાં પણ ડ્રાઈવરે ત્યાથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને સ્થાનિકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઈકો ચાલકની અટકાયત કરી છે અને વધુ તપાસ કરી રહી છે. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરી હતી. નવા બનેલા બારોઈ રોડ પર થયેલા અકસ્માત બાદ, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નવો રસ્તો બનાવવામાં આવ્યો હોવા છતાં, સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકો વધુ ઝડપે વાહન ચલાવે છે. જો સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાયા હોત.
થોડા સમય પહેલા પાટણ જિલ્લાના રાધનપુર-કંડલા હાઇવે પર એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત રાધનપુરના મોટીપીપળી ગામ નજીક થયો હતો. અહેવાલો અનુસાર, હાઇવે પર એક સાથે લગભગ પાંચ વાહનો અથડાયા હતા. તેમાં એક ટ્રેલર, એક મોટરસાઇકલ અને એક જીપનો સમાવેશ થાય છે, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયા હતા, જ્યારે સાતથી આઠ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં અકસ્માતમાં બે લોકોના મોત, એક ઘાયલ
આ પણ વાંચો:કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ…
આ પણ વાંચો:કચ્છમાં ધરતી ફરી ધ્રુજી, ભચાઉ નજીક 3.1 તીવ્રતાનો આંચકો
