Pune Spurious Liquor Case: મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર અને ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત નીપજ્યા છે. આ આખા લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે. આ ગંભીર ઘટનામાં ખાખી વર્દીની મોટી બેદરકારી સામે આવતાં પોલીસ વિભાગે આકરા પગલાં લીધા છે અને પુણે તેમજ પિંપરી-ચિંચવડ વિસ્તારમાં ફરજ બજાવતા કુલ 9 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
Pune : ઝેરી દારૂ પીતા જ તબિયત બગડી
પ્રાપ્ત વિગતો અનુસાર, પુણેના હડપસર અને પિંપરી-ચિંચવડના ડાપોડી વિસ્તારમાં કેટલાક શ્રમિકો અને સ્થાનિક લોકોએ નકલી તેમજ કેમિકલયુક્ત ઝેરી દારૂ પીધો હતો. દારૂ પીધાના ગણતરીના કલાકોમાં જ લોકોની તબિયત એકાએક લથડવા લાગી હતી, જેમાં લોકોને ઉલ્ટીઓ થવી અને આંખે અંધારા આવવાની સમસ્યા શરૂ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 કમનસીબ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
લાંબા સમયથી ધમધમતું હતું નેટવર્ક
પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ વિસ્તારોમાં લાંબા સમયથી નકલી અને ઝેરી દારૂ બનાવવાનો તેમજ વેચવાનો ગેરકાયદેસર કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસની મિલીભગત અથવા ઘોર બેદરકારીના કારણે જ આ ગેરકાયદેસર નેટવર્ક પર સમયસર કોઈ રેડ કે કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના પરિણામે આટલી મોટી માનવસર્જિત દુર્ઘટના ઘટી છે.
2 સિનિયર ઇન્સ્પેક્ટર સહિત 9 સસ્પેન્ડ
મામલો હાઈપ્રોફાઈલ બનતા જ પોલીસ કમિશનરોએ કડક વલણ અપનાવ્યું છે. પુણે પોલીસ કમિશનરે હડપસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એક સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ, પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરે પણ ડાપોડી પોલીસ સ્ટેશન અને તેની પોલીસ ચોકી (આઉટપોસ્ટ) સાથે જોડાયેલા વધુ 6 પોલીસકર્મીઓને ઘરભેગા કરી દીધા છે.
પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ મામલે વિભાગીય તપાસના આદેશ અપાયા છે અને જો કોઈ ઉચ્ચ અધિકારી પણ દોષિત જણાશે તો તેની સામે ગુનો દાખલ કરાશે. હાલ પોલીસે નકલી દારૂના આ ગેરકાયદેસર નેટવર્ક પર ત્રાટકીને મુખ્ય સૂત્રધારો સહિત 9 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ દારૂ ક્યાંથી સપ્લાય થતો હતો તેની આખી કડી મેળવવા તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: રાજકોટ દારૂ કાંડમાં મોટો વળાંક, મુખ્ય આરોપીએ પોલીસ સ્ટેશનમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: બિહારમાં વધુ એક લઠ્ઠાકાંડ મોતિહારીમાં ઝેરી દારૂથી 8ના મૃત્યુ 6 લોકોએ આંખની રોશની ગુમાવી
આ પણ વાંચો: નડિયાદ લઠ્ઠાકાંડ કેસઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો, સોડા પીવાના કારણે મોત !
