IPL/ પંજાબ કિંગ્સે ફરીથી કેપ્ટન બદલ્યો, ભારતના આ દિગ્ગજ ખેલાડીને સોંપી કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ, BCCI IPL-2023 સીઝનની હરાજી માટે વ્યવસ્થા કરી રહ્યું છે

Top Stories Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ, BCCI IPL-2023 સીઝનની હરાજી માટે વ્યવસ્થા કરી રહ્યું છે, તો બીજી તરફ ફ્રેન્ચાઇઝી પણ પોતાની ટીમોને લઈને રણનીતિ બનાવી રહી છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે મોટો નિર્ણય લીધો છે. તેણે પોતાની કેપ્ટનશીપ બદલી છે. ગત સિઝનમાં ટીમનું સુકાન સંભાળનાર મયંક અગ્રવાલની જગ્યાએ ભારતની ODI ટીમના ઓપનર શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

વેબસાઈટ ESPNcricinfoએ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી અને જણાવ્યું કે બુધવારે આયોજિત ફ્રેન્ચાઈઝીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને ટીમના નવા કોચ ટ્રેવર બેલિસનું પણ સમર્થન છે. હવે જોવાનું એ રહેશે કે પંજાબ હરાજી પહેલા મયંકને પોતાની સાથે રાખે છે કે પછી તેને છોડશે. ફ્રેન્ચાઇઝીઓ પાસે 15 નવેમ્બર સુધી રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છે.

પંજાબને સફળતા મળી નથી
પંજાબે ગયા વર્ષે જ મયંકને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો કારણ કે કેએલ રાહુલે ટીમ છોડી દીધી હતી. મયંકની કેપ્ટનશીપમાં પણ આ ટીમને સફળતા મળી ન હતી અને ટીમ ફરી એકવાર પ્લેઓફમાં જવાથી ચૂકી ગઈ હતી. આ પછી ટીમ મેનેજમેન્ટે પણ કોચ અનિલ કુંબલે સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સમાં બે વખત આઈપીએલ જીતનાર કોચ બેલિસને જોડ્યો.

હવે ટીમે કેપ્ટનશિપમાં પણ ફેરફાર કર્યો છે. ધવન આઈપીએલમાં બીજી વખત કોઈ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. પંજાબે તેને ગયા વર્ષે જ મેગા ઓક્શનમાં ખરીદ્યો હતો. આ પહેલા ધવન સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આ ફ્રેન્ચાઈઝીમાંથી તે દિલ્હી કેપિટલ્સ ગયો અને પછી પંજાબ આવ્યો.