Gujarat Weather:ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા નવીનતમ નાઉકાસ્ટ અનુસાર, ગુજરાતના 8 જિલ્લાઓમાં આજે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાલુ ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો, કચ્છમાં 58.44 ટકા, દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા, સૌરાષ્ટ્રમાં 49.19 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 48.03 ટકા અને ઉત્તર ગુજરાતમાં 45.92 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.
IMDની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. 21 જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, 17 જુલાઈથી 21 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં અને 17 જુલાઈએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાનમાં પણ 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ત્રણ હવામાન સિસ્ટમો—વેલમાર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની સક્રિયતાને કારણે દેશના વિવિધ ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
