Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આમ ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું જોર ફરી વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખેડાના નડિયાદમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. વસો, દાહોદ અને સંતરામપુરમાં સાડા-સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. મહુધા અને ઝાલોદમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. મોરવા હડફ-લુણાવાડામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. કડાણા અને ફતેપુરામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે.
મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કડાકાભડાકા સાથે વરસાદથી બધુ પાણી-પાણી થયું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી ગરમી અને ઉકળાટમાં રાહત થઈ છે. ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. નડિયાદમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. નડિયાદ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે. શહેરના ગરનાળાઓમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરજમાં એક કલાકમાં 44 મીમી વરસાદ નોંંધાયો છે. માલપુરમાં અડધો કલાકમાં 28 મીમી વરસાદ છે. મોરડુંગરી, સોનિકપુર, રુઘનાથપુર. મેઘરજ, કમભરોડા, બેડજ, પહડિયા, ડેરીકમ્પા, બાયડ અને ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પંચમહાલના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મોરવા હડફના મોરા અને ઘોઘંબામાં વરસાદ પડ્યો છે. ડેમમાં 9509 ક્યુસેક પાણીની આવક થઈ છે.
સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઓલપાડમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઓલપાડમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઓલપાડ, આંધી, રાજનગર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
