સુઝલોન ગ્રુપ અને સુઝલોન એનર્જી લિમિટેડના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય પ્રમોટરોમાંના એક તુલસી તંતીનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તંતી ભારતની ગ્રીન એનર્જી વ્યૂહરચનાઓનું માર્ગદર્શન આપવા માટે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની રિન્યુએબલ એનર્જી કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા.રાજકોટના 64 વર્ષીય ઉદ્યોગસાહસિકને નિધિ તંતી અને પ્રણવ તંતી નામના બાળકો છે. તેઓ અમદાવાદથી પોતાનો બિઝનેસ ચલાવતા , અને 2004થી પુણેમાં સ્થાયી થયા હતા.

ઉલ્લેખનીય છે કે તંતીના મૃત્યુથી સુઝલોન ગ્રુપ અને સુઝલોન એનર્જી લિમિટેડને મોટો આંચકો લાગ્યો છે. 11 ઓક્ટોબરે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇશ્યૂની શરૂઆતની જાહેરાત કરવા માટે તેઓ શનિવારે એક મીડિયા બ્રીફિંગમાં અમદાવાદમાં હતા. “સુઝલોન એનર્જી તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા ફંડનો ઉપયોગ કરીને અને બાકીના ફંડને કોર્પોરેટ જરૂરિયાતો માટે તૈનાત કરીને તેનું દેવું ચૂકવવાની અને તેની વ્યાજની જવાબદારીઓ ઘટાડવાની યોજના ધરાવે છે તેમ તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું.
