Rajkot News: ગુજરાતમાં હાઇવે પ્રોજેક્ટમાં કેટલો વિલંબ થાય છે અને પ્રજા કેટલી હેરાન થાય છે તેનું ઉદાહરણ રાજકોટ જેતપુર હાઇવે છે. આ હાઇવે છ લેનનો છે અને તેને 2022માં 1,204 કરોડ રૂપિયામાં બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેને બે વર્ષમાં તૈયાર કરવાનો હતો એટલે કે તે 2024માં થઈ જવો જોઈતો હતો, પરંતુ આ છ લેનનો હાઇવે બે વર્ષમાં માંડ 20 કિ.મી. બન્યો છે, સમયસર પૂરો કરવાના બદલે તેની ડેડલાઇન લંબાવી હવે જૂન 2026 કરાઈ છે. આના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર આવતા અઢી લાખથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમા પણ રસ્તા પરના ખાડાના લીધે તો લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આ રોડ પર કામ સપ્ટેમ્બર 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને 67 કિમીના રોડનું સમગ્ર કામ બે વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર 2022માં પૂર્ણ થવાનું હતું, જેના બદલે અત્યાર સુધી માત્ર 20 કિમીનું કામ થયું છે. સમયસર કામ પૂર્ણ કરવાને બદલે વહીવટીતંત્રે જૂન 2026 સુધીની સમયમર્યાદા લંબાવી છે. હાલમાં વરસાદને કારણે રાજકોટ-જેતપુર હાઇવે પર વિવિધ સ્થળોએ ખાડા પડી રહ્યા છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ઉપરાંત, જર્જરિત રોડને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે.
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં જનહિત હાઇવે હક આંદોલન સમિતિએ અહીંથી દરરોજ પસાર થતા લગભગ અઢી લાખ લોકોની સમસ્યાઓને લઈને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કર્યો હતો. હાથ અને માથા પર પાટો બાંધીને કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, જેમાં ‘ભાજપ સરકાર ચોર છે’ અને ‘રોડ નહીં તો ટોલ નહીં’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું પોસ્ટર બતાવવામાં આવ્યું હતું, જેમાં ગડકરીની જગ્યાએ ગડ્ડા-કારી લખેલું હતું.
દરેકની એક જ માંગ છે કે પહેલા રસ્તો આપો અને પછી ટોલ માગો. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટથી જેતપુર હાઇવેને સિક્સ લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. આ સંદર્ભમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને એસપીના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે. હાલમાં અહીં 18 પુલ પર કામ ચાલી રહ્યું છે. જેમાં 14 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. અહીં ઘણીવાર જામની સમસ્યા રહે છે, જેના કારણે ત્યાં 12 ક્રેન મૂકવામાં આવી છે. જેમાંથી 2 ક્રેન ટોલ પ્લાઝા પર મૂકવામાં આવી છે.
હાલમાં એક પુલ શરૂ થઈ ગયો છે અને જો 48 કલાકનો સૂકો સમય રહેશે એટલે કે વરસાદ નહીં પડે તો ત્રણ નવા પુલ ખોલી શકાય છે. આમાં જામવાડીથી વીરપુર, ગોમટા ફાટક અને વીરપુર બાયપાસનો સમાવેશ થાય છે. પીપળીયા નજીકના ટોલ પ્લાઝા પાસે ઘણીવાર રસ્તો જામ થઈ જાય છે, ત્યાં ત્રણ શિફ્ટમાં 16 ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવશે. ટોલ ન વસૂલવાની માંગણી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: પિતૃકાર્ય માટે જતાં લીંબડીના પરિવારને રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ કુટુંબની ચાર મહિલાના મોત
આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઇવે પર પ્રાણઘાતક અકસ્માત, ચાર યુવાનોના મોત
આ પણ વાંચો: લીંબડી-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવેઃ ગોઝારા અકસ્માતમાં ચારના મોત
