Rajkot Congress Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) માટે કોંગ્રેસે પોતાના ‘જૂના જોગીઓ’ પર ભરોસો મૂકીને 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.
Rajkot કોંગ્રેસના આ દિગ્ગજોને આવ્યા ફોન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસે રાજકોટમાં મજબૂત પેનલ ઉતારવા માટે અત્યારથી જ કવાયત શરૂ કરી છે. જે મહત્વના નામોને ફોન દ્વારા તૈયારી રાખવા જણાવાયું છે તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને જાણીતા મહિલા નેતા નયનાબા જાડેજા, રાજકોટ મનપાના વિપક્ષના પૂર્વ નેતા અને કદાવર નેતા વશરામ સાગઠિયા તેમજ મહિલા કોંગ્રેસના અગ્રણી નેતા ગાયત્રીબા વાઘેલા જેવા દિગ્ગજો સામેલ છે. આ ઉપરાંત, કોંગ્રેસમાં જે બેઠકો પર મડાગાંઠ છે ત્યાં આજે ૪ એપ્રિલે પ્રદેશ કક્ષાના નિરીક્ષકો સાથે બેઠક યોજાશે અને ૫ એપ્રિલે સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભાજપમાં ‘સેન્સ’ પ્રક્રિયાનો બીજો દિવસ
બીજી તરફ ભાજપમાં પણ ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં પ્રથમ દિવસે (2 એપ્રિલ) 1200 થી વધુ દાવેદારો ઉમટી પડ્યા હતા, જ્યારે બીજા દિવસે (3 એપ્રિલ) પણ 1000 થી વધુ કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. જોકે, જમાલપુર અને મકતમપુરા જેવા લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડમાં દાવેદારોની સંખ્યા ઓછી જોવા મળી હતી.
ચૂંટણીનું ગણિત, 10,005 બેઠકો પર જંગ
આગામી 26 એપ્રિલે ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે.
આ પણ વાંચો: ઉમરેઠ પેટાચૂંટણી: કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણના નામ પર મોહર!
આ પણ વાંચો: કે.સી. વેણુગોપાલના નેતૃત્વમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે ઉઠાવ્યો સસ્પેન્શન મુદ્દો
આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસે 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરી
