Ahmedabad News: સામાન્ય રીતે તબિયત બગડે એટલે ચિંતા થાય, પણ આ જ નબળી તબિયત દુષ્કર્મના આરોપી આસારામને જામીન અપાવવામાં મદદ કરી રહી છે. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષના આસારામની મદદે ફરીથી તેમની નબળી તબિયત આવી છે. ગુજરાત હાઈકોર્ટે તેમને ત્રણ સપ્ટેમબર સુધીના હંગામી જામીન આપ્યા છે. આગામી ત્રણ સપ્ટેમ્બરે હવે આસારામના કેસની સુનાવણી યોજાશે. આ પહેલાં 21 ઓગસ્ટ સુધીના હંગામી જામીન વધારીને આપવામાં આવ્યા હતા.

અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓગસ્ટ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ મુજબ, ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનું આરોગ્ય તપાસવામાં આવ્યું હતું. આ દરમિયાન, આસારામના સમર્થકો અને મીડિયા વચ્ચેના ઘર્ષણને કારણે હોબાળો થયો હતો અને સામાન્ય દર્દીઓ માટે ઓપીડી થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી.

જોધપુર હાઈકોર્ટના આદેશ પછી, 18 ઓગસ્ટ 2025 ના રોજ સવારે લગભગ 10.45 વાગ્યે આસારામને ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં અંગત અંગરક્ષકોના કાફલા સાથે આવેલા આસારામના ચેકઅપ દરમિયાન દર્દીઓ અને સંબંધીઓને લગભગ ત્રણથી ચાર કલાક સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, આસારામની કાર ખોટી બાજુથી ટ્રોમા સેન્ટરના ગેટ પર લઈ જવામાં આવી હોવાથી એમ્બ્યુલન્સમાં રહેલા આઠ દર્દીઓને વીસ મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના અંગરક્ષકોએ ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક સુધી બંધ રાખ્યા હતા. ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ મીડિયાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી.

અગાઉ, ગુજરાત હાઈકોર્ટે ત્રણ વખત જામીન લંબાવ્યા હતા. આ પહેલા 27 જૂને, ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈ સુધી જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ 3 જુલાઈએ, જામીન એક મહિના માટે લંબાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 7 ઓગસ્ટ, 2025ના રોજ, ત્રીજી વખત જામીન લંબાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Asaram Bapu/આસારામની તબિયત ગંભીર, સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા
આ પણ વાંચો: Ahmedabad News/સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી
આ પણ વાંચો: National News/જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?
