Raw Material Price Hike: કેન્દ્ર સરકાર દ્વારા 40 જેટલા પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી (Customs Duty) માં મુક્તિ આપવામાં આવી હોવા છતાં, ભારતના પ્લાસ્ટિક ઉત્પાદકો અને મેનમેડ ફાઈબર (MMF) ટેક્સટાઈલ સેક્ટરને કોઈ જ રાહત મળી નથી. ઉદ્યોગકારોની ફરિયાદ છે કે સરકારની જાહેરાત બાદ પણ કાચા માલ (Raw Material) ના ભાવ ઉંચા જ રહ્યા છે, જેના કારણે પ્રોડક્શન પર ગંભીર અસર પડી રહી છે અને આગામી દિવસોમાં સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા છે.
યાર્નના ભાવમાં 5% નો ઘટાડો થવો જોઈતો હતો
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) ના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા MMF ટેક્સટાઈલ સેક્ટરના મુખ્ય કાચા માલ એવા PTA અને MEG પર કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટના પગલે યાર્નના ભાવમાં ઓછામાં ઓછો 5% નો ઘટાડો થવો જોઈતો હતો, પરંતુ તેમ થયું નથી.” આ મુદ્દે MMF ના હિતધારકોએ ટેક્સટાઈલ કમિશનર સાથે બેઠક પણ યોજી છે અને કાચા માલના ભાવ ઘટાડવાની માંગ દોહરાવી છે. જોકે, ટેક્સટાઈલ મિલોના સૂત્રોનું કહેવું છે કે પોલિએસ્ટરના ભાવ ઘટ્યા છે અને આગામી દિવસોમાં યાર્નના ભાવ પણ બેલેન્સ થઈ જશે.
પ્લાસ્ટિકના કાચા માલ (Material)ના ભાવ 65% વધ્યા
ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA) ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અનિલ રેડ્ડી વેન્નમે એક ચોંકાવનારો આંકડો આપતા જણાવ્યું છે કે, અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પ્રથમ 15 દિવસમાં જ કાચા માલના ભાવમાં 65% નો જંગી ઉછાળો નોંધાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, “સરકારે ભલે પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી માફીની જાહેરાત કરી હોય, પરંતુ 2 એપ્રિલના રોજ ફરીથી ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી પ્લાસ્ટિક ઉદ્યોગ માટેના કાચા માલમાં કિલો દીઠ ₹86 નો વધારો થયો છે. કમાલની વાત તો એ છે કે કાચો માલ સપ્લાય કરતા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પણ ભાવ વધારી રહ્યા છે.”
બિસ્કિટના કવર અને શેમ્પૂના પાઉચ થશે મોંઘા
આ ભાવવધારાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની છે. કાચો માલ મોંઘો થવાને કારણે રોજિંદા વપરાશની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, જેમ કે શેમ્પૂના પાઉચ (Sachets) અને બિસ્કિટના કવરના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
MSME સેક્ટરની હાલત કફોડી
ભારતના પ્લાસ્ટિક ઉત્પાદકોમાં 90% હિસ્સો MSME સેક્ટરનો છે, જ્યારે સંગઠિત ક્ષેત્રમાં 50,000 થી 75,000 ઉદ્યોગો છે. હાલમાં ભારતમાં કાચા માલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતા પણ વધુ છે. જોકે, ઘણા ઉત્પાદકો વિદેશી સપ્લાયર્સ સાથે વાટાઘાટો કરી રહ્યા છે, પરંતુ તેઓ કોન્ટ્રાક્ટ ફાઈનલ કરતા ડરી રહ્યા છે. કારણ કે વિદેશથી માલ આવવામાં એક મહિના કરતા વધુ સમય લાગે છે, અને તે સમયે બજારમાં શું ભાવ હશે તેની કોઈ જ ખાતરી હોતી નથી. આ અસમંજસના કારણે ઉદ્યોગોના પ્રોડક્શન પર ખૂબ માઠી અસર પહોંચી છે.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં હાહાકાર, એપ્રિલની શરૂઆતમાં FPIsએ ₹19,000 કરોડથી વધુ ઉપાડ્યા
આ પણ વાંચો: જોબ છોડતા જ મળશે સેલેરી, હવે 45 નહીં, ફક્ત 2 દિવસમાં પેમેન્ટ!
આ પણ વાંચો: પ્રીમિયમ પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલ વચ્ચેનો તફાવત જાણો, એક ભૂલથી થઈ શકે છે તમારું એન્જિન ખરાબ

