Bhupendra Patel vs Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી રેલીમાં ગુજરાતના લોકોને કથિત રીતે ‘અભણ’ કહેવાતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને “અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “આપણે બધા ભણેલા-ગણેલા છીએ, એ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી.”
‘આ 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન છે’
કોંગ્રેસ પ્રમુખના નિવેદન પર સખત વાંધો ઉઠાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર સીધો પ્રહાર છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પવિત્ર ધરતી માટે આવા શબ્દો બિલકુલ અસ્વીકાર્ય છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “ગુજરાત હંમેશા દેશના વિકાસ અને એકતામાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળતું જનસમર્થન જોઈને કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, પરંતુ ગુજરાતની જાગૃત જનતા આગામી ચૂંટણીઓમાં આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે.”
‘પહેલા મમરા ખાઈને રાત્રે પોસ્ટરો લગાવતા’
ભાજપના સ્થાપના દિવસે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી એકદમ હળવા અને રમૂજી અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે જુના દિવસો યાદ કરતા કહ્યું કે, “અમે પણ તમારી જેમ કાર્યકર્તાઓ જ છીએ. પહેલા તપેલું લઈને જતા અને પોસ્ટરો લગાવતા, એ આનંદ જ જુદો હતો. નાસ્તાના પૈસા ન હોય એટલે કોઈના ઘરેથી મમરા વઘાર્યા હોય કે સીંગ-દાળિયા લઈને રાત્રે 2-3 વાગ્યા સુધી જાગીને પોસ્ટરો લગાડતા.”
‘અમે 162 લોકો એમને એમ બેસી રહીશું?’ : Bhupendra Patel
સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા વિપક્ષ પર કટાક્ષ કરતા CM એ કહ્યું કે, “જે લોકો કામ નથી કરતા, તેઓ જ ખામીઓ શોધવામાં લાગી જાય છે. કામ કરીએ તો ખામીઓ થવાની જ ને! હમણાં વિપક્ષના ધારાસભ્યો મને મળવા આવ્યા હતા અને સરકાર તરફથી હેરાનગતિ થાય છે તેવી રજૂઆત કરી હતી. મેં તેમને સીધું જ કહી દીધું કે અન્ય રાજ્યોમાં જ્યાં તમારું શાસન છે ત્યાં ભાજપ સાથે કેવી વર્તણૂક થાય છે તે તમે જોયું છે ખરા? તમે થોડા લોકો ભેગા થઈને મંડ્યા છો, તો શું અમે 162 લોકો એમને એમ બેસી રહીશું? અંતે સરકાર પોતાનો દમ બતાવે જ છે.”
‘કોંગ્રેસના DNA માં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે’
આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” ગણાવી હતી. સંઘવીએ કહ્યું કે, “કોંગ્રેસના DNA માં જ ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે. આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે.” તેમણે માંગ કરી હતી કે કોંગ્રેસ આ નિવેદન અંગે સ્પષ્ટતા કરે અને ગુજરાતની જનતાની માફી માંગે.
રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની અને અન્ય ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસની આ માનસિકતાનો જડબાતોડ જવાબ આપશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે 62 કરોડના ખર્ચે તૈયાર થયેલી 182 નવી બસોને આપી લીલી ઝંડી
આ પણ વાંચો: એસ.ટી. નિગમને વર્ષે 1000 કરોડ રૂપિયાની ખોટ ,છતાં ભાડા નહીં વધારાય
આ પણ વાંચો: શહેરોના ભવિષ્ય પર IAS શાલિની અગ્રવાલનું પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન
