બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપો રેટમાં વધારો કર્યો હતો, જેના પછી બજારમાં નાસભાગ મચી ગઈ હતી. સેન્ટ્રલ બેન્કની જાહેરાત બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી બંનેમાં તીવ્ર ઘટાડો થયો હતો.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1306.96 પોઈન્ટ (2.29 ટકા) ઘટીને 55,669.03 પર બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી 391.50 પોઈન્ટ (2.29 ટકા) ઘટીને 16,677.60 પર બંધ થયો હતો.
RBIએ શું જાહેરાત કરી?
બુધવારે બપોરે, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે જાહેરાત કરી હતી કે મોંધવારીને નિયંત્રિત કરવા માટે રેપો રેટ 40 BPS વધારીને 4.40 ટકા કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેન્કે આ નિર્ણય વધતા મોંઘવારીને જોતા લીધો છે. બેન્કે તેનું અનુકૂળ વલણ જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત, 21 મે, 2022 થી કેશ રિઝર્વ રેશિયો (CRR) વધારીને 4.5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાકાય શેરોની હાલત આવી હતી
પાવર ગ્રીડ, NTPC અને કોટક બેન્ક સિવાય મોટી કંપનીઓની વાત કરીએ તો BSE પર તમામ શેર લાલ નિશાન પર બંધ થયા છે. તેમાં ઇન્ફોસિસ, વિપ્રો, ITC, ટેક મહિન્દ્રા, TCS, નેસ્લે ઇન્ડિયા, M&M, HCL ટેક, SBI, ICICI બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, HDFC, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, ટાઇટન વગેરેનો સમાવેશ થાય છે.
અંતે તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા. તેમાં ફાર્મા, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેંકો, ખાનગી બેંકો, બેંકો, ઓટો, ફાઇનાન્સ સેવાઓ, એફએમસીજી અને રિયલ્ટીનો સમાવેશ થાય છે.
પ્રારંભિક વેપારમાં વધઘટ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ અને રિલાયન્સ, TCS અને HDFC બેન્ક જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં ઘટાડો થવાને કારણે આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી અસ્થિર હતા. શરૂઆતમાં, 30 શેરોવાળા સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં તે 27.41 પોઈન્ટ ઘટીને 57,184.21 ના સ્તર પર આવી ગયો હતો. આ દરમિયાન નિફ્ટી 33.45 પોઈન્ટ ઘટીને 17,069.10ના સ્તરે હતો.
છેલ્લા સત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
ઇદ-ઉલ-ફિત્રના અવસર પર મંગળવારે ભારતીય શેરબજાર બંધ રહ્યું હતું. સોમવારે સેન્સેક્સ 0.15 ટકા ઘટીને 56,975.99 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 0.20 ટકા ઘટીને 17,069.10 પર બંધ થયો હતો.
આ પણ વાંચો: લોન લેવી થઈ મોંઘી, RBIએ વધાર્યા વ્યાજદર
