Bank Account Portability RBI: જો તમે તમારી બેંકની સેવાથી નારાજ છો અથવા બેંકના વધારાના ચાર્જિસથી પરેશાન છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એક એવી અત્યાધુનિક વ્યવસ્થા પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો પોતાનો એકાઉન્ટ નંબર બદલ્યા વગર જ એક બેંકમાંથી બીજી બેંકમાં શિફ્ટ થઈ શકશે. જેમ આપણે મોબાઈલ નંબર પોર્ટ કરાવીએ છીએ, તેમ હવે બેંક ખાતું પણ પોર્ટ કરી શકાશે.
‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ RBIનો મોટો પ્લાન
RBI ની આ મહત્વકાંક્ષી યોજના ‘પેમેન્ટ્સ વિઝન 2028’ નો એક ભાગ છે. આ સિસ્ટમ લાગુ થયા બાદ ગ્રાહકોને પોતાની મરજી મુજબની બેંક પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળશે. આનાથી બેંકો વચ્ચે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાની સ્પર્ધા વધશે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે.
ડોક્યુમેન્ટ્સ અને ઓટો-પેમેન્ટની ઝંઝટ ખતમ
અત્યારે બેંક બદલવી હોય તો નવું ખાતું ખોલાવવું પડે છે અને જૂના ખાતાની તમામ વિગતો જેવી કે પગાર (Salary) અને પેન્શનની વિગતો, હોમ લોન કે કાર લોનના હપ્તા (EMI), મ્યુચ્યુઅલ ફંડ (SIP) અને વીમા પ્રીમિયમ તેમજ ગેસ સબસિડી અને વીજળી-પાણીના બિલ નવી બેંકમાં અપડેટ કરવા પડે છે. આ પ્રક્રિયામાં ભૂલ થવાની કે પેમેન્ટ અટકવાની શક્યતા રહે છે. પરંતુ નવી સિસ્ટમમાં તમારો એકાઉન્ટ નંબર કાયમી બની જશે અને નવી બેંકમાં જોડાતા જ આ બધી વિગતો આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.
કઈ રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?
RBI એક એવું સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે જ્યાં ગ્રાહકોની તમામ બેંકિંગ વિગતો સુરક્ષિત રહેશે. જ્યારે તમે બેંક પોર્ટ કરાવશો, ત્યારે નવી બેંક તમારા જૂના નંબરને જ પોતાની સિસ્ટમમાં સ્વીકારી લેશે. આનાથી ગ્રાહકોને વારંવાર કેવાયસી (KYC) કરાવવાની કે નવા પેપરવર્કની જરૂર નહીં પડે.
બેંકોની મનમાની પર લાગશે બ્રેક
આ સુવિધા આવતા જ બેંકોની મનમાની બંધ થઈ જશે. જો કોઈ બેંક ગ્રાહકને નબળી સેવા આપશે અથવા બિનજરૂરી ચાર્જ વસૂલશે, તો ગ્રાહક કોઈપણ ખચકાટ વગર પોતાની બેંક બદલી શકશે. આનાથી દેશની બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શન વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: જોબ છોડતા જ મળશે સેલેરી, હવે 45 નહીં, ફક્ત 2 દિવસમાં પેમેન્ટ!
આ પણ વાંચો: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો! શું ઈરાન યુદ્ધનો પ્રભાવ?
આ પણ વાંચો: સમગ્ર ભારત કરી રહ્યું છે UPIનો ઉપયોગ, અબજો વ્યવહારોએ તોડી નાખ્યા બધા રેકોર્ડ
