19 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયતોમાંથી 134 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ ત્યારે હવે આગામી રવિવારના રોજ 413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.
આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણી મશીનના બદલે બેલેટ પેપરથી યોજાનાર છે. ત્યારે જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 413 પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 410 જેટલી સરપંચની બેઠક છે. જ્યારે વિવિધ વોર્ડના સભ્યોની સંખ્યા 3005 છે. આ ચૂંટણીઓમાં પુરુષ મતદારોની સંખ્યા 388724 જેટલી છે. તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા 353606 જેટલી છે અને અન્ય મતદાર તરીકે 1 નોંધણી થઈ છે. રાજકોટમાં વિવિધ ગામોમાં કુલ મતદારોની સંખ્યા 742331 જેટલી છે. આ તમામ લોકો આગામી રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજકોટ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 964 મતદાન મથકો છે. જેમાં 358 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. તેમાંથી 61 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે મતપેટીની સંખ્યાની વાત કરવામાં આવે તો 1939 મતપેટીઓ હાલ ઉપલબ્ધ છે. જેમાંથી 1089 મતપેટીઓનો ઉપયોગ આ ચૂંટણીઓમાં થશે. આ ચૂંટણીમાં 144 ચૂંટણી અધિકારીઓ અને 144 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. આ સાથે જ 5501 જેટલો પોલિંગ સ્ટાફ પણ હાજર રહેશે.
