Bihar News : પક્ષો-વિપક્ષો દ્વારા હવે બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી જનતા દળયુ (JDU)ની વાત કરીએ તો આ પાર્ટીએ પણ આ વખતની ચૂંટણીમાં મસમોટી જાહેરાતો કરી છે. જેડીયુના વડા અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અંગે એવું કહેવું છે કે, તેઓ નીતિઓમાં માને છે, રેવડિયો વહેંચવામાં માનતા નથી. જોકે આ વખતની ચૂંટણીમાં નીતીશ કુમારે અનેક મોટી જાહેરાત કરી છે.
ચૂંટણી સમીકરણ બદલાયા, પક્ષોની નીતિ પણ બદલાઈ
સીએમ નીતિશની નીતિઓ અંગે વાત કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ બિહાર વિધાનસભા બજેટ શરૂ થયા પહેલા જેડીયુના એક પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે, શું નીતીશ સરકાર મહિલાઓ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે? તો તેમણે કહ્યું હતું કે, અમારા નેતા (નીતીશ) નીતિઓ પર વિશ્વાસ કરે છે, રેવડી વહેંચવામાં માનતા નથી.જોકે હવે રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતીશ કુમાર મુખ્યમંત્રી છે. 2005થી સતત સત્તામાં રહેનાર નીતીશ સરકારે અગાઉની ચૂંટણીઓમાં ક્યારે મોટી મોટી જાહેરાતો કરી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે અનેક જાહેરાતો કરી નાખી છે, જેને ‘ચૂંટણી રેવડી’ અથવા ‘ફ્રીબિઝ’ કહેવામાં આવી રહી છે.
નીતીશ સરકારની મહત્વની ‘ચૂંટણીલક્ષી’ જાહેરાતો
જૂનથી ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં નીતીશ સરકારે 15થી વધુ મોટી જાહેરાતો કરી છે, જેનો મુખ્ય લક્ષ્ય મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને સાધવાનો પ્રયાસ છે. સરકારની મહત્ત્વની જાહેરાતોની વાત કરીએ તો,મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અરજી કરનાર પ્રથમ સહાય 10,000 રૂપિયા મળશે, છ મહિના સમીક્ષા બાદ જેમાં બે લાખ રૂપિયાની વધારાની સહાય અપાશે. અત્યાર સુધીમાં કુલ 1,11,58,840 મહિલાઓએ આ યોજના હેઠળ અરજી કરી છે, જેમાં પ્રથમ સહાયની રકમ પણ મહિલાઓને અપાઈ છે.
મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને મળતી પેન્શનની રકમ રૂપિયા 400થી વધારીને રૂપિયા 1100 કરવામાં આવી.
ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની ઘોષણા
આશા, આંગણવાડી, મમતા, રસોઇયા અને અન્ય સ્કીમ વર્કર્સનું મહેનતાણુ વધારવું.
બે વર્ષ સુધી બેરોજગાર સ્નાતક યુવાનોને દર મહિને રૂપિયા 1000 મળશે.
નવા નોંધાયેલા વકીલોને દર મહિને રૂપિયા 5000નું સ્ટાઇપેન્ડ.
સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળનું લોન વ્યાજમુક્ત
રાજ્યની તમામ પરીક્ષાઓમાં માત્ર પ્રાથમિક પરીક્ષામાં જ રૂપિયા 100નું ફી લાગુ પડશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં કોઈ ફી લાગુ નહીં પડે.
વરિષ્ઠ અને આર્થિક રીતે નબળા કલાકારોને દર મહિને રૂપિયા 3000નું પેન્શન
કોઈ પણ યોજના કે જાહેરાતમાં સૌથી મહત્ત્વનો સવાલ એ હોય છે કે આ જાહેરાત પાછળ ખર્ચાનારો પૈસો ક્યાંથી આવશે? વર્ષ 2025-26 નું રાજ્યનું બજેટ રૂપિયા 3 લાખ 16 હજાર કરોડનું હતું. માર્ચમાં બજેટની જાહેરાત પછી, જુલાઈમાં મોન્સૂન સત્રમાં રજૂ કરાયેલા પહેલા પૂરક (સપ્લિમેન્ટરી) બજેટમાં વધુ રૂપિયા 58 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પૂરક બજેટ ત્યારે રજૂ કરવામાં આવે છે, જ્યારે નાણાંકીય બજેટમાં નક્કી કરેલ રકમ વધારવાની હોય કે પછી નવી જરૂરિયાતને પૂરી કરવા માટે નાણાંકીય જોગવાઈ કરવાની હોય.
આર્થિક સર્વેક્ષણ મુજબ બિહારના દેવાની વાત કરીએ તો, , રાજ્યમાં વર્ષ 2024-25નું કુલ બાકી દેવું રૂપિયા 3,48,370 કરોડ રહેવાનો અંદાજ છે. ઉપરાંત વર્ષ 2025-26 માં રૂપિયા 55,737 કરોડની લોન લેવાનો પ્રસ્તાવ છે. રાજ્ય પર આ પરિસ્થિતિમાં કુલ બાકી દેવું રૂપિયા 4,04,107 કરોડનું થશે. આ નાણાકીય વર્ષમાં આ દેવાનું વ્યાજ રૂપિયા 23,013 કરોડ છે, એટલે કે દૈનિક રૂપિયા 63 કરોડ.
‘રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક-2025’માં બિહારમાં 13માં ક્રમે
નવાઈની વાત એ છે કે નીતીશ કુમારે એકતરફ આ મસમોટી જાહેરાત કરી હતી, તો બીજીતરફ નીતિ આયોગ દ્વારા ‘રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક-2025’ જાહેર કરાયો હતો, બિહાર 1તેમાં 3માં ક્રમે હતું. એટલે કે ખર્ચ વધુ અને રાજ્ય સરકારની આવક ઓછી હત. રાજ્યોના વર્ષ 2023ના પરફોર્મન્સના આધારે જાહેર આ સૂચકાંક કરાયો હતો. આમાં રાજ્યના ખર્ચ અને આવક વચ્ચે મોટો તફાવત છે. આ ઉપરાંત બિહાર મહેસૂલ એકઠું કરવામાં સૌથી પાછળ છે.
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે.
ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઓક્ટોબરના બુધવારે થશે. 24 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો: madhya pradesh news/બળાત્કારનો કેસ છુપાવવાની ધમકી આપીને, ભાજપ નેતા દ્વારા ખંડણીની રકમ સાથે કરાઇ ધરપકડ
આ પણ વાંચો: uttarpradesh news/રાયબરેલીમાં મોબ લિંચિંગ : ડ્રોન ચોર સમજીને એક વ્યક્તિને માર મારીને મારી નાખવામાં આવ્યો; લાશ ટ્રેક પર ફેંકી
આ પણ વાંચો: National News/બિહાર બાદ, દિલ્હીમાં પણ SIR પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ, જેમાં ચૂંટણી પંચ વધારાને નિયંત્રિત માટે ખાસ યોજનાઓ થશે!
