Sports News : બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના બેટ્સમેનોનું આ શ્રેણીમાં પ્રદર્શન સારૂ રહ્યું ન હતું, જેમાં ટીમ ઈન્ડિયા ઘર આંગણે 408 રનના મોટા અંતરથી હારી ગઈ હતી. રનના અંતરથી આ સૌથી મોટી હાર પણ છે.
ચાહકો પણ ભારતીય ટીમના ઘરઆંગણે અપમાનજનક પ્રદર્શનથી ખૂબ જ નિરાશ છે. તે સિવાય તેમના નબળા પ્રદર્શનને કારણે ઘણા ખેલાડીઓ ટીકાનો સામનો કરી રહ્યા છે. ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ શુભમન ગિલની ગેરહાજરીમાં વિકેટકીપર ઋષભ પંતે સંભાળી હતી.
સોશિયલ મીડિયા પર સતત ટીકાઓ વચ્ચે પંચે એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તે સખત મહેનત કરીને ટીમમાં પાછો ફરશે, એવી દરેકને ખાતરી આપવામાં આવી છે.
ઋષભ પંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “અમે આ ટેસ્ટ શ્રેણીમાં બિલકુલ સારું રમ્યા નથી તે સ્વીકારવામાં કોઈ શરમ નથી. એક ટીમ તરીકે અને ખેલાડીઓ તરીકે, અમે બધા આ સ્તરે પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી બધા ચાહકોને ખુશ થવા માટે કંઈક મળે. અમે તમારી અપેક્ષાઓ પૂર્ણ ન કરવા બદલ માફી માંગીએ છીએ, પરંતુ રમતગમત અમને આગળ વધવાનું અને સતત શીખવાનું શીખવે છે.
અમારા બધા માટે ભારતીય ટીમ માટે રમવું એ હંમેશા એક મહાન સન્માન છે. આ ટીમમાં કેટલી ક્ષમતા છે અમે બધા જાણીએ છીએ, અને અમે સખત મહેનત કરીશું અને મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરીશું. તમારા સતત પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. જય હિન્દ.”
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ભારતીય ટીમે 25 વર્ષમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. 30 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી પર હવે બધાની નજર છે, જેમાં ટીમ ઈન્ડિયા સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. કેએલ રાહુલ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે ઋષભ પંત પણ ટીમમાં પરત ફર્યો છે. તેથી, તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે કે નહીં તેની પર બધાની નજર તેના પર રહેશે.
