RMC Financial Crisis : આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ગત વર્ષે રૂ. 3100 કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. 1400 કરોડનો જ ખર્ચ થયો છે. નાણાંના અભાવે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે અને સ્થિતિ એવી સર્જાઈ છે કે વિકાસ કામો ચાલુ રાખવા માટે મનપાએ રૂ. 200 કરોડની લોન લેવી પડી છે.
યોજનાઓનું ‘બાળમરણ’: ફાઈલોમાં દબાયેલા વિકાસ કામો
નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના મહિના બાકી છે, છતાં બજેટના અડધા નાણાં પણ વપરાયા નથી. આજી રિવરફ્રન્ટ, મોરબી રોડનું સ્મશાન ગૃહ અને કિસાનપરાથી મહિલા કોલેજ સુધીના વ્હાઇટ ટોપિંગ રોડ જેવી મોટી યોજનાઓ હજુ વનવાસ ભોગવી રહી છે. આ ઉપરાંત, ગ્રીન લાયબ્રેરી, મહિલા હોકર્સ ઝોન અને પીડીએમ ફાટક પાસેના બ્રિજ જેવી લોકઉપયોગી યોજનાઓ પણ ભંડોળના અભાવે અધ્ધરતાલ છે.
સફાઈ ખર્ચમાં તોતિંગ વધારો આર્થિક કટોકટીનું મુખ્ય કારણ?
મનપાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો નવો ડોર-ટુ-ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટ મુખ્ય કારણ માનવામાં આવે છે. જે કામ અગાઉ રૂ. 35 કરોડમાં થતું હતું, તેનો ખર્ચ હવે વધીને વાર્ષિક રૂ. 120 કરોડ પર પહોંચી ગયો છે. 10 વર્ષના આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે 5% નો વધારો નક્કી કરાયો છે, જે ભવિષ્યમાં મનપા માટે મોટું આર્થિક ભારણ સાબિત થશે.
પાણી અને પગારનું ગણિત ખોરવાયું
રાજકોટની જળ સમસ્યા પણ તિજોરી પર બોજ વધારી રહી છે. નર્મદાના નીર મંગાવવા માટે (RMC) મનપા સરકારને પ્રતિ 1000 લીટરે રૂ. 6 ચૂકવે છે, જેની સામે પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો વસૂલાય છે. બીજી તરફ, મિલકત વેરાનો રૂ. 454 કરોડનો લક્ષ્યાંક જો 100% પૂર્ણ થાય, તો પણ તેમાંથી માત્ર કર્મચારીઓનો વાર્ષિક પગાર જ નીકળી શકે તેમ છે. વિકાસ કામો માટે (RMC) મનપાએ હવે અન્ય સ્ત્રોતો કે લોન પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ છે.
શું નવા બજેટમાં કરબોજ વધશે?
ખર્ચને પહોંચી વળવા માટે મનપાએ રૂ. 370 કરોડની કિંમતના 7 પ્લોટ વેચવા કાઢ્યા છે. જો આ પ્લોટ નહીં વેચાય તો લોન લીધા વગર ગાડું ગબડાવવું અશક્ય છે. આગામી બજેટમાં કમિશનર પ્રજા પર નવો કરબોજ ઝીંકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય શાસકો પ્રજાની નારાજગી વહોરશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, બેંક ખાતા અને અન્ય માહિતી થઈ લીક
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ
