Not Set/ રસ્તાના રીસરફેસીંગ કામો થવાથી આ વિસ્તારના લોકોની આવન-જાવન સુવિધામાં વધારો થશે

સાયલા તાલુકાના ધાંધલપુર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રસ્તાના રીસરફેસીંગ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રસ્તાના રીસરફેસીંગ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રૂપિયા ૩૧૭ લાખથી વધુના ખર્ચે સોખડા એપ્રોચ રોડ, ગોસળ મદારગઢ, સોરીંભડા એપ્રોચ રોડ, કાનપુર -દરિયાલાલ રોડ, નિનામા-શેખડોદ રોડ અને નાના સખપર એપ્રોચ રોડના રીસરફેસીંગ કામનું મંત્રીશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ રસ્તાના રીસરફેસીંગનું કામ થવાથી આ વિસ્તારના લોકોની આવન-જાવન સુવિધામાં વધારો થશે. લોકોની જરૂરિયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવતા હોય છે, જેથી આ વિસ્તારના લોકોની રજુઆતોને અગ્રતા આપી, આ રસ્તાના રીસરફેસીંગ કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું છે. આ વિસ્તારમાં પાણી રસ્તા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકાર તત્પર હોવાનું પણ મંત્રી એ ઉમેર્યુ હતું.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓના બાળકોને શિક્ષણ મળી રહે અને દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે નર્મદાના નીર અંતરિયાળ ગામડાં સુધી પહોંચ્યા છે. તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, સૌની યોજનાના માધ્યમથી ખેડૂતોની ખેતી હરિયાળી બની છે અને સરકાર દ્વારા ખેડૂતોને શૂન્ય ટકાએ પાક ધિરાણ પણ આપવામાં આવે છે.

આ પ્રસંગે અગ્રણી જગદીશભાઈ મકવાણા અને મહેશભાઇ મકવાણાએ  પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર યુ. એલ. દવેએ રસ્તાના રીસરફેસીંગ કામોની વિગતો આપી હતી. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ રાજભા ઝાલા, સુરિંગભાઈ ધાંધલ, ભાવેશભાઈ મકવાણા, ડાયાભાઈ જીડીયા, રણછોડભાઇ રબારી, કાળુભાઈ કાલીયા અને ભરતભાઈ સોનાગરા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
.