Gandhinagar News: ગુજરાત જીએસટી ચોરો માટે સ્વર્ગ બની ગયું છે. જુલાઈ 2017માં જીએસટી અમલમાં આવ્યો ત્યારથી જૂન 2024 સુધીના સાત વર્ષના સમયગાળામાં ગુજરાતમાં રૂ. 52,394 કરોડની જંગી જીએસટી ચોરી પકડાઈ છે. આ માટે ગુજરાતમાં જીએસટી ચોરીના કુલ 13,494 કેસ નોંધવામાં આવ્યા છે. આ શબ્દો બીજા કોઈના નહીં પણ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના છે. જીએસટી ચોરીની આ રકમ ગુજરાત સરકારના બજેટના 20 ટકા જેટલી થવા જાય છે.
આ ઉપરાંત માનવામાં આવે છે કે આ જ રીતે જીએસટી ચોરી ચાલુ રહી તો ગુજરાતમાં જ જીએસટીના અમલીકરણના દાયકામાં જીએસટી ચોરીનો આંકડો રૂ. એક લાખ કરોડે પહોંચી જાય તો આશ્ચર્ય નહી થાય. જીએસટી ચોરો પર કરવિભાગ ત્રાટકતા હવે તેઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. અત્યાર સુધી કેસોની સંખ્યા વધારે હતી અને જીએસટી ચોરીની રકમ ઓછી આવતી હતી, પરંતુ હવે મોડસ ઓપરેન્ડી બદલાતા અને સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવતા જીએસટી ચોરીનું પ્રમાણ ઘટ્યું છે, પણ ચોરીની સરેરાશ રકમ વધી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી કરચોરીના કિસ્સામાં ફક્ત 214ની જ ધરપપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારી તંત્ર દ્વારા બાતમી આધારે જરૂરી તપાસ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવે છે, બેંક ખાતામાં બોગસ લેવડ દેવડ બતાવીને GST ઇનપુટ ક્રેડિટ મેળવવામાં આવે છે. ખોટા દસ્તાવેજોના આધારે પણ કંપની ઉભી કરીને GST ચોરી કરવામાં આવતી હોય છે. કમસેકમ ગુજરાતના નાણાપ્રધાને તો આ જ દિશામાં વિચારવું રહ્યું કે રાજ્યમાંથી કેમ આટલા મોટાપાયા પર જીએસટીની ચોરી થાય છે. તેની સાથે કેન્દ્ર સરકારે પણ તે વિચારવાની જરૂર છે કે નિયમો વધુ સરળ બનાવવા જોઈએ જેથી કોઈ આ રીતે ચોરી કરવા ન પ્રેરાય. આ ઉપરાંત ઓટોમેશનનો ઉપયોગ વેપારીને હેરાન કરવા માટે ન કરવામાં આવે.
આ પણ વાંચો:જૂનાગઢના 6 શખ્સની પશ્ચિમ બંગાળમાં કરી અટકાયત
આ પણ વાંચો:પાણી ભરાવાને કારણે રેલ વ્યવહારને થઈ અસર, રદ કરાઈ ‘આ’ ટ્રેન
આ પણ વાંચો:પાટણમાં ફાયર સેફ્ટીને લઈ તંત્રનું કડક વલણ