સંવેદનશીલતા/ અનાથ-નિરાધાર બાળકોને આર્થિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારી, તાલીમ, વિદેશ અભ્યાસ વગેરે બાબતોમાં રૂપાણી સરકાર સહાય કરશે

 કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોની વાલી બની જરૂરી જવાબદારી રૂપાણી સરકાર ઉપાડશે મુખ્યમંત્રી એ કોરોનાથી જેના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા છે એવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવાનો નિર્ણય કર્યો છે

Top Stories Gujarat

CM રૂપાણીએ કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનારા અનાથ-નિરાધાર બાળકો પ્રત્યે કરુણા દર્શાવાતો નિર્ણય લીધો છે.  મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરતા કહ્યું છે કે, કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોની વાલી બની જરૂરી જવાબદારી રૂપાણી સરકાર ઉપાડશે મુખ્યમંત્રી એ કોરોનાથી જેના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા છે એવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેમણે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈએ પોતાના વ્હાલસોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ-બહેનનો સાથ ખોયો છે અને રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોનાકાળ દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર કોરોનાનાં કપરાકાળમાં આવા અનાથ-નિરાધાર અને માતા-પિતા બંને ગુમાવી ચુકેલા બાળકોની વેદનામાં પૂરી સંવેદનાથી પડખે ઉભી રહી છે અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાથી આવા બાળકોને આર્થિક આધાર આપવાનો સેવાભાવ પ્રગટ કર્યો છે. આ યોજના અનુસાર..

  • રાજ્યમાં એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય-આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે.
  • કોરોના મહામારી દરમિયાન જે બાળકોનાં પરિવારમાં મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા-પિતા બંનેનું કોરોનાનાં સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂ. ૪૦૦૦ રૂપાણી સરકાર મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે.
  • જે બાળકોને ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાનાં બાધ સિવાય દર મહિને રૂ. ૬૦૦૦ની સહાયનો લાભ આપવાનું રૂપાણી સરકારે નક્કી કર્યું છે.
  • ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસનાં વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬૦૦૦ની સહાયનો લાભ મળશે. એટલે કે, તમામ પ્રકારનાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
  • રાજ્યનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગનાં બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીનાં બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગનાં ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે.
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકનાં અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકનાં તમામ નિગમોની તમામ યોજનાઓનાં લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે. એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઈપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.
  • અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઈપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીનાં ધોરણે અપાશે.
  • ૧૪ વર્ષથી ઉપરની વયનાં બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરનાં યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.
  • જે દિકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.
  • નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.
  • કોરોનાનાં સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાનાં ધોરણે અપાશે.
  • આ યોજનાનો લાભ લેતા બાળકોનાં પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાનાં ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.