Gandhinagar/ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો.

Top Stories Gujarat Breaking News

ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મહોલ અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત દેશભરના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આહ્વાન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શાહે કહ્યું હતું કે, સહકારિતા ક્ષેત્ર કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે, જે નાગરીકોના જીવનમાં મોટો બદલાવ લાવશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ગુજરાત સરકારના નિર્ણયને બિરદાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને નેનો યુરીયા અને નેનો ડીએપીની ખરીદી પર 50 ટકાની વિશેષ સહાય આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પારંપરિક યુરિયાના સ્થાને નેનો યુરીયા અને નેનો ડીએપી પ્રવાહીનો ઉપયોગ કરવાથી યુરિયાનો વપરાશ ઘટશે, જેથી પાક અને જમીનની ગુણવત્તા સાથે માનવ સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો આવશે. નેનો યુરિયાના ઉપયોગથી થતા વિવિધ ફાયદાઓ અંગે વિસ્તૃત વાત કરી તેમને રાજ્યના દરેક ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારિતાને પ્રોત્સાહન આપવા સહકારિતા ક્ષેત્રનો સંપૂર્ણ આર્થિક વ્યવહાર સહકારી ક્ષેત્રમાં જ કરવા કેન્દ્રીય મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતના 2 જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “કો-ઓપરેશન અમોન્ગ્સ કો-ઓપરેટીવ” અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. માત્ર આ બે જિલ્લામાં જ રૂ. 785 કરોડની ડીપોઝીટ વધારવામાં સફળતા મળી છે.
આ બંને જિલ્લામાં મળી ઝીરો ટકા વ્યાજે આશરે 23,000 થી વધુ કિસાન ક્રેડીટ કાર્ડ તેમજ 3.8 લાખ RuPay ડેબીટ કાર્ડ ખેડૂત ભાઈઓ અને દૂધ ઉત્પાદન કરતી માતાઓને આપવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જૈવિક ઉત્પાદનો એટલે કે, ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપવા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લીમીટેડની સ્થાપના કરી છે. આ સંસ્થાના માધ્યમથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદન સામે યોગ્ય ભાવ મળતા થયા છે. આજે નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લી.(NCOL) દ્વારા પ્રથમવાર ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ભારત ઓર્ગેનિક અને અમૂલ જેવી બે વિશ્વસનીય બ્રાંડ છે, જે સાચા અર્થમાં ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપે છે. આ બંને બ્રાન્ડના ફૂડ 100 ટકા ઓર્ગેનિક છે તેની પુષ્ટિ વિશ્વની સૌથી આધુનિક તકનીકના માધ્યમથી કરવામાં આવી છે.
અમૂલે પણ આજે દિલ્હી ખાતે દેશના સૌ પ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનો શુભારંભ કર્યો છે. આગામી સમયમાં અમૂલ દેશભરમાં વધુ 100 અમૂલ ઓર્ગેનિક સ્ટોર શરૂ કરશે.અમીતભાઈ શાહે જણાવ્યુ હતું કે, ભારત દેશમાં સહકારિતા એ કોઈ નવો વિચાર નથી. આજથી 125 વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ગાડગીલજી, વૈકુંઠભાઈ મહેતા, ત્રિભોવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોએ દેશમાં સહકારિતાની શરુઆત કરી હતી. પરંતુ એક સમય આવ્યો જ્યારે સહકારિતા અંદોલન મંદ પડી ગયું, ત્યારે આઝાદીના 75 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી વેગવાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને સહકારી આંદોલનને ફરી વેગ આપ્યો છે. આજે સહકારિતા અંદોલન ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થા સહિત દેશમાં અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
સહકારી પ્રવૃત્તિઓને મહત્તમ સહયોગ આપીને ગુજરાત અને ભારતને વધુ આર્થિક સમૃદ્ધ બનાવવા શાહે ઉપસ્થિત સહકારી આગેવાનો-સભાસદોને સહભાગી થવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે નાફેડ, ઇફકો, અમૂલ, ક્રિભકો જેવી વિવિધ સહકારી સંસ્થાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ રહી છે, પણ તેનાથી સંતોષ કરવાની જરૂર નથી. આવતા પાંચ વર્ષમાં ભારત દેશમાં સહકારિતાનો એટલો મજબૂત પાયો નાખીએ કે, આવતા 125 વર્ષ સુધી સહકારિતા દરેક ગામ અને ઘર સુધી પહોંચે. સરકારે સહકારિતાને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કો-ઓપરેટીવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવના માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશના 30 કરોડ ગરીબોને ગરીબીમાંથી બહાર લાવીને સહકારથી સમૃદ્ધિના નારાને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશના જરૂરીયાતમંદ નાગરિકોને આવાસ, પાણી, વીજળી, ગેસ, અનાજ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી પગભર બનાવ્યા છે. આગામી સમયમાં સહકારિતાના માધ્યમથી નાગરિકોને વધુ સમૃદ્ધ બનાવવાની વડાપ્રધાનની નેમ છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલના માધ્યમથી આશરે ૩૫ લાખ જેટલી બહેનો આજે માત્ર 100 રૂપિયાના નજીવા રોકાણથી વાર્ષિક રૂ. 7000 કરોડનો વેપાર કરી રહી છે, જે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં અંદાજે બે લાખ જેટલી પંચાયતો એવી છે, જે ગામોમાં દૂધ ડેરી અથવા પેક્સ નથી. ભારત સરકાર આગામી સમયમાં આ તમામ ગામો ખાતે મલ્ટીપર્પઝ પેક્સ તૈયાર કરશે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી કામમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી પેક્સ માટે ‘મોડેલ બાય લોઝ’ તૈયાર કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી ખેડૂતો, રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ જેવી અનેક નવી પ્રવૃત્તિઓ કરી શકે છે. 
આજે અંદાજે 48,000 જેટલા પેક્સ આ નવા આયામો સાથે જોડાયા છે. આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ નવી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી તૈયાર કરી છે, તેની સાઈટ પર જઈને પેક્સ સાથે જોડાણ કરી શકાશે. નવીન બાય લોઝના પરિણામે વિવિધ પ્રવૃત્તિઓ માટે કો-ઓપરેટીવ બેંકો સભાસદોને વિવિધ લોન પણ આપી રહી છે. તેમણે નાબાર્ડ સહિત દેશભરની અન્ય રાજ્ય સહકારી બેન્કોને અનુરોધ કર્યો હતો કે, જિલ્લા સહકારી બેન્કો અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોને સાથે રાખીને દરેક ડેરી, દરેક પેક્સ અને દરેક સહકારી સંસ્થા તેમનું બેન્ક ખાતું જિલ્લા સહકારી બેન્ક અથવા રાજ્ય સહકારી બેન્કોમાં ખોલાવીને તેમાં મહત્તમ નાણાકીય વ્યવહારો કરે. જેથી સહકારિતા ક્ષેત્ર મજબૂત થશે, બચત પણ વધશે અને સહકારી સંસ્થાઓનો આત્મવિશ્વાસ પણ વધશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના ત્રીજીવારના પ્રધાનમંત્રી પદ તરીકેના કાર્યભારમાં વિકાસની ગતિ ત્રણ ગણી કરવાનો તેમનો સંકલ્પ છે. આ સંકલ્પમાં સૂર પુરાવતાં સહકાર ક્ષેત્ર પણ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના દિશા-દર્શનમાં નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી ‘કો-ઓપરેટીવ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલ’ ના ધ્યેય સાથે થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે તો સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સહકારી ક્ષેત્રે સર્વાંગી વિકાસની નવી દિશા દર્શાવી છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પાછલા એક દશકમાં સહકારિતા ક્ષેત્રની જે કાયાપલટ પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં થઈ છે તેની પણ છણાવટ કરી હતી. આ સંદર્ભમાં તેમને કહ્યું કે, દેશભરમાં પ્રાથમિક સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણના તેમજ સહકારી ક્ષેત્રને અદ્યતન ટેકનોલોજીયુક્ત બનાવવાના અનેક આયામો સફળ થયા છે. ગ્રામ પંચાયત સ્તર સુધી પેક્સ અને સહકારી મંડળીઓ કાર્યરત થઈ છે. 93 હજાર જેટલા પેક્સ કેન્દ્રોનો ડિજિટલ ટેકનોલોજી સાથે મલ્ટીપર્પસ સર્વિસ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, 83 હજારથી વધુ મંડળીઓના 2 કરોડ 30 લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
રાજ્યમાં સહકારી સંસ્થાઓ હવે મેડિકલ કોલેજથી લઈને વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટેના સેવા કાર્યોમાં યોગદાન આપે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પ્રાકૃતિક ખેતી સહકારી ધોરણે વિકસાવવા રાજ્યમાં 400 ઉપરાંત જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ચાલે છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047 માટેના આહવાનને સહકાર ક્ષેત્ર ‘સહકાર સે સમૃદ્ધિ’ નો ધ્યેય પાર પાડીને ઝિલી લેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે સહકારી પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને સહકારી ક્ષેત્રની વિકાસયાત્રાથી અમૃતકાળમાં વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવવા પણ સહયોગી થવા અનુરોધ કર્યો હતો. આંતરાષ્ટ્રીય સહકારિતા દિવસની શુભકામના આપતાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગતિશીલ નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ, સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રમાં 54 થી વધુ ઇનિશિયેટીવ લીધા છે. ગ્રામ્ય કક્ષાએ વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે પૅક્સને કોમન સર્વિસ સેન્ટર તરીકે કાર્યરત કરી છે. ગુજરાત રાજ્યની 9400 થી વધુ પેક્સ મંડળીઓમાં મોડલ બાયલોઝનું અમલીકરણ કરાયું છે. સહકારી સંસ્થાઓમાં તમામ બાબતો ઓનલાઇન અને પારદર્શકતા સાથે થાય તે હેતુથી રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 3600 ગ્રામ પંચાયતોને પેક્સની સેવાઓથી આવરી લેવાઈ છે. ગુજરાતના આ બંને પનોતા પુત્રોએ સહકારિતાના ક્ષેત્રેના વિકાસ માટે જે સ્વપ્ન જોયું છે, તેની પરિકલ્પનાને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે.
ઈફ્કો અને ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રાલયની સ્થાપનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1923 થી આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તેનું 102મું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે જેની થીમ “કોપરેટીવ બિલ્ટ અ બેટર ફ્યુચર ફોર ઓલ” રાખવામાં આવી છે. ઇફ્કોએ નેનો યુરિયાનું ઉત્પાદન કર્યું છે જેને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું છે. નેનો યુરિયાના માધ્યમથી પ્રદૂષણ થતું અટકાવી શકાય છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ભારતના દિલ્હીમાં અમૂલના પહેલા ઓર્ગેનિક સ્ટોરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સહકાર સાથે સંકળાયેલ ખેડૂતોને ‘નેનો યુરિયા કીટ’ પણ એનાયત કરી હતી તથા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લીમીટેડના “ભારત ઓર્ગેનિક આટા”નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત અર્બન કોઓપરેટીવ બેન્ક ફેડરેશનના અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતાએ આભાર વિધિ કરી હતી. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના અવસર પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમૂલના ચેરમેન શામળભાઈ પટેલ, નાફેડના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ આહીર, ક્રિભકોના ચેરમેન ડો. ચંદ્રપાલ સિંઘ યાદવ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજયભાઇ પટેલ, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, ખેતી બેન્કના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચા, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન,રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, ઇફ્કોના ડિરેક્ટર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિત દેશભરમાંથી આવેલા સહકારિતા સાથે સંકળાયેલા સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ

આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…

આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા