Gujarat News: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન હેઠળ સામખિયાળી-ભચાઉ ક્વાડ્રપ્લિંગ પ્રોજેક્ટમાં (Samakhiali Bhachau Quadrupling Project) નવી તૈયાર કરાયેલી ત્રીજી અને ચોથી રેલવે લાઇન પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ થાય તે પહેલાં સલામતીની ચકાસણી માટે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS Railway Inspection) દ્વારા ઔપચારિક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ સર્કલના રેલવે સલામતી કમિશનર શ્રી ઇ. શ્રીનિવાસે સામખિયાળી રેલવે સ્ટેશનથી પ્રથમ તબક્કાના નિરીક્ષણની શરૂઆત કરી હતી.
Samakhiali Bhachau Quadrupling Project: વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ નિરીક્ષણ દરમિયાન અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) શ્રી પ્રદીપ ગુપ્તા તેમજ બાંધકામ (Western Railway Ahmedabad) અને ઓપન લાઇન વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ નવી રેલ લાઇનના વિવિધ પાસાઓનું સ્થળ પર નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી.
પ્રથમ દિવસે 16.40 કિલોમીટર ટ્રેકનું નિરીક્ષણ
નિરીક્ષણના પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ વચ્ચે આશરે 16.40 કિલોમીટર લાંબી નવી ‘ડાઉન મેઇન-2’ રેલ લાઇનનું મોટર ટ્રોલી દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, ટ્રેક ભૂમિતિ, રેલ વેલ્ડિંગ, સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), લેવલ ક્રોસિંગ તેમજ ઓપરેશનલ સલામતીના તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી.
સ્ટેશન, પુલ અને લેવલ ક્રોસિંગની ઝીણવટભરી તપાસ

સલામતી કમિશનરે સામખિયાળી રેલવે સ્ટેશન યાર્ડ, ઇન્ટરલોકિંગ સિસ્ટમ, પોઇન્ટ મશીનો અને અન્ય સલામતી ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત કર્વ નંબર 63B1, લેવલ ક્રોસિંગ નંબર 202C, 203C, 205 અને 206 તેમજ પુલ નંબર 254, 261 અને 261Aની પણ વિગતવાર તપાસ કરવામાં આવી. વોંધ રેલવે સ્ટેશન પર યાર્ડ લેઆઉટ, સિગ્નલિંગ, મુસાફરોની સુવિધાઓ અને સલામતી વ્યવસ્થાની પણ સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
સ્થાનિકોની સમસ્યાઓ પણ સાંભળી
નિરીક્ષણ દરમિયાન લેવલ ક્રોસિંગ નજીક ડિવિઝનલ રેલ્વે મેનેજર વેદ પ્રકાશે સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિકોએ બંધ લેવલ ક્રોસિંગને કારણે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાની અને વૈકલ્પિક માર્ગોના ઉપયોગથી થતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. DRMએ સંબંધિત અધિકારીઓને જાહેર હિતને ધ્યાનમાં રાખીને વ્યવહારુ અને ઝડપી ઉકેલ શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
6 ઓગસ્ટે થશે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ ટ્રાયલ
સલામતી નિરીક્ષણના આગામી તબક્કામાં 6 ઓગસ્ટ, 2026ના રોજ નવી રેલ લાઇન પર ઇલેક્ટ્રિક લોકોમોટિવ દ્વારા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ (Railway Speed Trial) હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ સફળ રહે્યા બાદ રેલવે સલામતી કમિશનર દ્વારા જરૂરી મંજૂરી પ્રક્રિયા આગળ વધશે, જેના પછી આ નવી લાઇન પર ટ્રેન સંચાલનનો માર્ગ વધુ સરળ બનશે.
ક્વાડ્રપ્લિંગ પ્રોજેક્ટથી મળશે લાભ
સામખિયાળી-ભચાઉ ક્વાડ્રપ્લિંગ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વ્યસ્ત રેલવે રૂટ પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને માલગાડીઓ તથા મુસાફર ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. ઉપરાંત ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે અને ભવિષ્યમાં વધતા રેલવે ટ્રાફિકને સરળતાથી સંભાળી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં વધતું પ્રદૂષણ ચિંતાજનક! વટવા GIDC આસપાસના ગ્રામજનોના ગંભીર આક્ષેપ, તંત્ર સામે અનેક સવાલો
આ પણ વાંચો: સાબરમતી જેલમાં નકલી વકીલની એન્ટ્રી, વકીલોમાં ભારે રોષ
આ પણ વાંચો: ઓઝત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપ, ખેડૂતોમાં રોષ; GPCBની કામગીરી સામે સવાલ
