Sanand Bike Accident: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શહેર હોય કે હાઈવે, રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા પશુઓ વાહનચાલકો માટે મોટું જોખમ બની રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા હાઈવે પર આવેલા પીંપણ ગામ નજીક બની છે, જ્યાં રસ્તાની વચ્ચે બેઠેલા ગાયોના ટોળા સાથે બાઈક અથડાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. સમગ્ર અકસ્માત (Sanand Bike Accident) નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત (Sanand Bike Accident) 16 જુલાઈની રાત્રે આશરે 8:30 વાગ્યાના સમયે સર્જાયો હતો. યુવાન પોતાના મોટરસાયકલ પર સાણંદ તરફથી બાવળા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડની વચ્ચે બેઠેલા રખડતા ગાયોના ટોળા અંધારાના કારણે તેને સમયસર દેખાયા નહોતા અને બાઈક સીધું જ ગાયો સાથે અથડાઈ ગયું.
ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકસવાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં તેના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
CCTVમાં કેદ થયો ભયાનક અકસ્માત
ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની વચ્ચે 10થી વધુ ગાયો બેઠી હતી, જેના કારણે વાહનચાલકો માટે રસ્તો જોખમી બની ગયો હતો. પૂરપાટ ઝડપે આવતું બાઈક અચાનક ગાયોના ટોળા સાથે અથડાય છે અને ટક્કર બાદ બાઈકસવાર રસ્તા પર ફંગોળાઈ જાય છે. અકસ્માત બાદ ગાયો ગભરાઈને દોડતી પણ જોવા મળે છે.
Sanand Bike Accident: પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
આ અકસ્માત (Sanand Bike Accident)માં યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એક આશાસ્પદ યુવાનને ગુમાવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.
સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ
સ્થાનિક લોકોનું કહેવું છે કે સાણંદ-બાવળા હાઈવે પર લાંબા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન યથાવત છે. અનેક વખત રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી થતી નથી, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે.સ્થાનિકોએ માંગ કરી છે કે રસ્તાઓ પરથી રખડતા પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને જાહેર માર્ગો પર પશુઓને ખુલ્લા મૂકતા બેજવાબદાર પશુપાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
આ પણ વાંચો:અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકને ચાલુ ગાડીએ ખેંચ આવતાં સર્જાયો અકસ્માત, રિક્ષા-મોપેડને કચડ્યા, 1નું મોત
