Surat News/ સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ

કોભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું

Top Stories Gujarat Surat

Surat News ; સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કોભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે.

રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં ચેરમેન તરીકે કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને પદ સોંપાયું હતું. પ્રાથમિત તપાસમાં રસેશ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો છે.

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે.

સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટેપાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ડો. રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતા સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૃતિ ગૃહ શરૂ ચલાવતો હતો. અહીં બેસીને જ ડો. રસેશ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો હતો. બોગસ ડિગ્રીના 70 થી 80 હજાર પડાવનાર ડો. રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના 7 રૂપિયા જ લેતો હોવાનુ ંસામે આવ્યું છે.ગુજરાતના ડોક્ટર સેલના ચેરમેન ડૉ. હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડો. રસેશ ગુજરાતીને વર્ષ 2019માં સુરત ડોક્ટર શહેરના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં, પરંતુ ત્યારબાદથી તેઓ નિષ્ક્રિય છે. તેમની નિમણૂક થઈ ત્યારે ડો. રસેશ સામે એકપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. તેમની નિમણૂક જમીન ભલામણથી થઈ છે, તેઓ પણ હવે કોંગ્રેસમાં નથી. મારો સવાલ એ છે કે, વર્ષ 2002થી બોગસ ડોક્ટરની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું તો અત્યાર સુધી રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? આરોપી કોઈ પણ રાજકીય પક્ષનો હોય, પરંતુ તેને ગુનો આચર્યો હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ.

‘વર્ષોથી ભાજપની સરકાર સત્તા પર છે, તો કોંગ્રેસ કેવી રીતે છાવરી શકે’
આ સાથે જ કોંગ્રેસ પક્ષ આ પ્રકારના લોકોને છાવરે છે, એવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર સત્તા પર છે તો કોંગ્રેસ કેવી રીતે છાવરી શકે. અગાઉ ડ્રગ્સ અને રેપ જેવા ગંભીર ગુનાઓમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને કાર્યકર્તાઓ ઝડપાયા છે. તો શું એમ કહેવાનું કે ભાજપ તેને છાવરતો હતો? આ પ્રકારનો ગંભીર ગુનો આચરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કોર્ટમાં ઠોસ ડોક્યુમેન્ટ સાથેના પુરાવાઓ રજૂ કરવા જોઈએ કે, જેથી આરોપી લાંબો સમય સુધી જેલમાં જ રહે.સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ શરૂ કરીને રસેશ ગુજરાતીએ એક એવું સ્કેમ શરુ કર્યું હતું કે, જેના કારણે સાચા અને નકલી ડૉક્ટરો વચ્ચે ફરક કરવો સામાન્ય લોકો માટે મુશ્કેલ બની ગયો હતો.

રસેશ ગુજરાતી અંદાજે 25 વર્ષથી જે હોસ્પિટલમાં બેસી લોકોને સારવાર આપી રહ્યો હતો અને બોગસ સર્ટિફિકેટ વહેંચી રહ્યો હતો તે હોસ્પિટલ આજે તાળા મારેલી હાલતમાં છે. પરંતુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, હોસ્પિટલ બંધ હોવા છતાં તે અહીં આવતો રહેતો હતો. રસેશ ગુજરાતી વિરુદ્ધ થયેલી ફરિયાદમાં જણાવાયું છે કે તે ગોપીપુરા સ્થિત આ હોસ્પિટલમાં બેસી પોતાના દ્વારા વિતરણ કરેલા બોગસ સર્ટિફિકેટ ધરાવતા ડૉક્ટરો પાસેથી રીન્યુઅલ ચાર્જ વસૂલતો હતો અને તેમને ધમકી આપતો હતો.પોલીસને ગોપીપુરા સ્થિત આ ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી અનેક દસ્તાવેજો, આઈડેન્ટિટી કાર્ડ્સ અને અન્ય કાગળ મળ્યા છે, જેમાં 30 જેટલા સર્ટિફિકેટ છે જે થોડા જ દિવસોમાં નકલી ડૉક્ટરોને આપવાના હતા.હોસ્પિટલની બહાર રસેશ ગુજરાતીએ લખાવ્યું હતું કે, અહીં મારામારી, બર્ન ઈજાઓ, અકસ્માત તેમજ વિવિધ પ્રકારની મેડિકલ સર્જરી અને સ્ત્રીરોગ સંબંધિત કેસ લેવાય છે. જ્યારે તે સ્વયં એલોપેથી અથવા સર્જરીની પ્રેક્ટિસ માટે લાયકાત ધરાવતો ડૉક્ટર નહોતો. છતાં તે અહીં બેસી ધડાદડ એલોપેથી દવાઓ સાથે નકલી સર્ટિફિકેટ આપતો હતો.પોલીસ તેને ઝડપી લઈ આ ક્લિનિક પર લાવ્યો હતો. કોરોના કાળથી હોસ્પિટલ બંધ હતી છતાં તે અહીં ‘વસૂલી’ કરવા અને બોગસ સર્ટિફિકેટ આપવા આવતો હતો અને લોકોને પણ બોલાવતો હતો. હોસ્પિટલની બહાર તે ઇમર્જન્સી 24 કલાકની સુવિધા સાથે સર્જીકલ સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, નેબ્યુલાઈઝર મોનિટર વગેરેની સુવિધા અંગે લખ્યું છે.

સ્થાનિક ફારૂક પટેલે જણાવ્યું હતું કે, માત્ર 7 રૂપિયામાં તે લોકોને દવા આપતો હતો. અહીં વિવિધ પ્રકારની બીમારીઓ માટે દવાઓ પણ આપવામાં આવતી હતી. છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલ બંધ છે, છતાં તે અહીં આવતો રહેતો હતો. તે ઇન્જેક્શન પણ આપતો હતો અને બાટલો પણ ચડાવતો હતો.આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ધોખાધડી કરવાના કૌભાંડની તપાસમાં સુરત અને અમદાવાદના કંઇક મહત્વના કાગળો અને ડિગ્રી કૌભાંડના પુરાવાઓ બહાર આવ્યાં છે. પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ પાલનપુર જકાતનાકા અને અમદાવાદ સ્થિત ઓફિસોમાં રેડ કરીને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

સુરતની રેડમાં મળેલ દસ્તાવેજો:
પાલનપુર જકાતનાકા સ્થિત બાલાજીકૃપા સોસાયટીમાં રશેષના નિવાસસ્થાને તપાસ દરમિયાન આ દસ્તાવેજો મળી આવ્યા હતા:
રજિસ્ટ્રેશન ફોર્મ
ડોકટરોના રજિસ્ટ્રેશનના રજિસ્ટર્સ
BEMS ડિગ્રી માટેના એપ્લિકેશન ફોર્મ
હાઇકોર્ટના ઓર્ડર અને નોટિસ
ખાલી તથા રીન્યુઅલ ફોર્મ
7 આઇકાર્ડ સાથેના સર્ટિફિકેટ
15 જેટલી ઝેરોક્ષ ડિગ્રી સર્ટિફિકેટ

અમદાવાદમાં ડિગ્રી કૌભાંડના પુરાવા
અમદાવાદ ખાતે ડો.બી.કે.રાવતની ઓફિસમાંથી મળેલા પુરાવાઓમાં સમાવિષ્ટ છે:
ખાલી ડિગ્રી: 10
તૈયાર ડિગ્રી: 30
એપ્લિકેશન ફોર્મ: 160
આઇકાર્ડ: 12
1250 જેટલા ડિગ્રી ધારકોના રજિસ્ટ્રેશન પુરાવા
1630 જેટલા ડોકટરોના નામે રજિસ્ટ્રેશનવાળા રજિસ્ટર્સ

જ્યારે પોલીસે આરોપી ડો. રસેશ ગુજરાતીની પૂછપરછ શરૂ કરી ત્યારે 2017ના ગંભીર કેસ વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે 17 વર્ષની સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો, જે માટે તે જેલ પણ ગયો હતો. નિયમ અને કાયદા વિરુદ્ધ જઈને તેને એક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. જેલથી બહાર આવ્યા બાદ પણ રસેશ સતત ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો રહ્યો હતો. ગેરકાયદે ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડો. રસેશ હાલ પાંડેસરા પોલીસના સકંજામાં છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેશ ગુજરાતીને લઈને બે કેસ નોંધાયા છે. ડો. રસેશ વિરુદ્ધ છેલ્લા 24 કલાકમાં બે નવા કેસ નોંધાયા છે.

બીજા કેસમાં એક વ્યક્તિએ તેના વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી વસૂલવાનો કેસ નોંધાવ્યો છે.ફરિયાદી વિજય યાદવે જણાવ્યું હતું કે, જ્યારે તેને આ ડિગ્રી આપવામાં આવી ત્યારે તેને કોઈપણ રીતે ઉપયોગ કરી શકવાની ખાતરી આપવામાં આવી હતી. પછી તેને ખબર પડી કે આ ડિગ્રી તો નકલી છે. જ્યારે તેની પાસે વારંવાર પૈસા માગવામાં આવ્યા અને તેણે આપવાનો ઇનકાર કરી દેતાં આરોપીઓ ડો. રસેશ, ડો. રાવત અને શોભિતસિંહ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

રસેશ ગુજરાતીએ નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂ.70,000થી રૂ.80,000 વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપતો નહોતો, પરંતુ ત્યાર બાદ રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલના નામે દર મહિને રૂ 5,000 અને વર્ષમાં એક વખત રૂ 5,000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા તેમને બ્લેકમેલ કરવા માટે તેણે એક વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડૉ. બી. કે. રાવતના નામે નોટિસ મોકલાવીને તે ડર પેદા કરતો હતો. એ માટે તેણે ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિત સિંહને વસૂલી માટે રાખ્યા હતા. રસેશ વિરુદ્ધ અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયા છે.

ડો. રસેશ માટે 1200 નકલી ડોક્ટર પાસેથી નાણાંની વસૂલાત કરનાર શોભિતસિંહને બે દિવસ પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. તેની પાસે પણ આ જ પ્રકારની ડોક્ટરની નકલી ડિગ્રી હતી. વસૂલાત સાથે તે ગંભીર પ્રકારના ગુનાઓને પણ અંજામ આપતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે 2020માં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી આદિલ નૂરાની અને તેના સાગરીતોનું નવું ગુનાહિત કૌભાંડ બહાર પાડ્યું છે. આદિલે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવવા ખોટાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં. આ સર્ટિફિકેટ ખોટી રીતે ક્રિષ્ણા જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલના નરલી ડોક્ટર શોભિતસિંહ ઠાકુરે બનાવ્યાં હતાં, જેની પાસે તબીબી પ્રેક્ટિસની માન્ય ડિગ્રી નથી. દસ્તાવેજોમાં ડૉ. દિલીપ તડવીના નામના ખોટા સહી-સિક્કા કરી સુરત ક્રાઈમ બ્રાંચને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે ગુનો નોંધી ડૉ. શોભિતસિંહને ધરપકડ કરવામાં આવી છે.રસેશ સાથે કુલ 13 જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ડોક્ટર એવો છે, જેની ભેસ્તાન પોલીસે ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી હતી. ભેસ્તાનના વિશાલનગરમાં રહેતી સવા વર્ષીય ફાતિમા શેખને ગત 15 ફેબ્રુઆરીએ રમતાં-રમતાં ડાબા પગમાં ઇજા થવા પામી હતી. તેને પરિવારજનોએ સારવાર માટે રેહાના ક્લિનિકના ડૉ. શમીમ અંસારી પાસે લઈ ગયા. ડૉક્ટરે ચાર ઇન્જેક્શન આપ્યાં બાદ બાળકીની તબિયત વધુ બગડતાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.આ બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોગસ ઇન્જેક્શનને કારણે મોત નીપજ્યાનું સામે આવ્યું હતુ. એ બાદ તપાસમાં જાણવા મળ્યું કે ડૉ. શમીમ પાસે હોમિયોપેથીનું સર્ટિફિકેટ હતું છતાં તે બોગસ પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગતરોજ (5 ડિસેમ્બર) ઝડપાયેલા 13 બોગસ ડોક્ટરમાં તે પણ સામેલ હતો.આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આ શખસોએ છેતરપિંડી કરવા માટે આખી યોજનાબદ્ધ રીતે આ કામ કર્યું છે. પ્રથમ એફઆઇઆર આઇપીસી કલમ 384 અને 420 હેઠળ નોંધવામાં આવી છે, સાથે જ મેડિકલ પ્રેક્ટિશનર અધિનિયમ હેઠળ પણ કલમો લગાવવામાં આવી છે. યાદવ નામના ફરિયાદીએ જ્યાં રિપોર્ટ નોંધાવ્યો છે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી જેવા કેસ દાખલ કરાયા છે. રસેશ અને બી. કે. રાવતના આ ચિકિત્સા પદ્ધતિ સાથે કોઈ સંબંધ ન હોય, પરંતુ તેઓ ડિગ્રી આપ્યા પછી રિન્યૂઅલના નામે લોકો પાસેથી પૈસા વસૂલતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલે ખોટા-રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવીને લોકોના જીવ સાથે રમત કરી

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલે ગરીબ દર્દીઓની સારવારના નામે સરકાર પાસેથી રૂ. 26 કરોડ ખંખેર્યા

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના ત્રણ કુખ્યાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ