Patan News : પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં અંદરો અંદરનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલની કામગીરીને લઈને પાલિકામાં ભ્રષ્ટાચાર (Corruption) આચરાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે કોર્પોરેટરના સગાઓએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય અને પાલિકાકીય માહોલ ગરમાયો છે.
માહિતી મુજબ, હારીજ નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) હતો. આ વીડિયોએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
આ વીડિયો હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં પાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમજ એજન્સી દ્વારા ગુણવત્તા વિહોણું મટીરીયલ વપરાતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિડિયો વાયરલ થયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ તરફ, ભ્રષ્ટાચાર (Corruption)ના આક્ષેપોની વિજિલન્સ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવવામાં આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હવે તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
