Ahmedabad Food Safety : અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસમાં સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV કેમેરા (Ahmedabad Restaurant CCTV) લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અથવા ગ્રાહકોની બેઠક વ્યવસ્થા નજીક દર્શાવવાની સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાનો હેતુ ગ્રાહકોને રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય બનાવવાની પ્રક્રિયા અંગે વધુ પારદર્શિતા આપવાનો છે.
ગ્રાહકો હવે જોઈ શકશે રસોડાની કામગીરી
ફૂડ વિભાગ દ્વારા તમામ સંબંધિત એકમોને ઈ-મેઈલ મારફતે સૂચના આપવામાં આવી છે કે રસોડામાં લગાવવામાં આવેલા CCTVનું લાઈવ ફીડ ગ્રાહકોને જોઈ શકાય (Live CCTV Kitchen) તેવી જગ્યાએ દર્શાવવામાં આવે. આથી ગ્રાહકો પોતાની નજરે રસોડામાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં, ફૂડ હેન્ડલર્સ હાઈજીનનું પાલન કરે છે કે નહીં અને ખાદ્ય સામગ્રી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈ શકશે.
Ahmedabad Restaurant CCTV: FSSAIના નિયમોનું પાલન ફરજિયાત
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, Food Safety and Standards Act, 2006 તથા FSSAIની માર્ગદર્શિકા મુજબ ફૂડ બિઝનેસ માટે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના વિવિધ નિયમોનું પાલન કરવું જરૂરી છે. રસોડામાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત કાચા અને રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, સલામત પાણીનો ઉપયોગ, નિયમિત પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા જેવા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે.
ખોરાકમાં જીવાત કે ગંદકી મળી તો કડક કાર્યવાહી
ફૂડ વિભાગના તાજેતરના ચેકિંગ દરમિયાન કેટલાક એકમોમાં અસ્વચ્છતા, જીવાત અને નિયમોના ઉલ્લંઘનની ગંભીર બાબતો સામે આવી હતી. આવી સ્થિતિમાં માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ ગંભીર અથવા વારંવારના ભંગમાં લાયસન્સ રદ કરવાની સાથે એકમને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
કોલેજ કેન્ટીનમાં લાયસન્સ વિના કામગીરી
સૈજપુર બોઘા વિસ્તારમાં મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં ચાલતી RKR કેટરર્સની કેન્ટીનમાં તપાસ દરમિયાન FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી અને ખાદ્ય સામગ્રીમાં જીવાત મળી આવી હતી. આ બાબતોને પગલે કેન્ટીનને સીલ કરવામાં આવી હતી.
મણિનગરના MAD OVER GRILLSમાં સ્ટોર રૂમમાં પીપમાં રાખવામાં આવેલા મેંદામાં જીવતી જીવાત મળી આવી હતી. ખાદ્ય સામગ્રીની સલામતી અંગે ગંભીર બેદરકારી સામે આવતા એકમ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી.
કુબેરનગરના રાજેશ દૂધ ઘર અને પ્રખ્યાત રોડના ભૈરવનાથ ભોજનાલયમાં મીડિયમ તથા લો-ફેટ પનીરનો જથ્થો અપ્રમાણિત જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.
દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા સંતોષ ઘી ભંડારમાં વનસ્પતિ તેલમાંથી બનાવટી ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવતા નમૂના લેવામાં આવ્યા હતા અને એકમને સીલ કરવામાં આવ્યો હતો.
લાયસન્સ અને હાઈજીન રિપોર્ટના અભાવે પણ કાર્યવાહી
બહેરામપુરની સમ્રાટ બેકરી અને સરખેજના સબરુ ચાઈનીઝ મોકાઈલ્ડ એન્ડ તવા ફ્રાય સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી તેમજ ( Food Hygiene) કર્મચારીઓના મેડિકલ અને પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ ઉપલબ્ધ ન હોવા જેવી બાબતો સામે આવી હતી.
નિયમ તોડનારાઓને લાયસન્સ રદ કરવાની ચેતવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન (FSSAI Rules) નહીં કરનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનના કિસ્સામાં લાયસન્સ રદ કરવાની સાથે એકમ સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. હવે અમદાવાદના રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસમાં ગ્રાહકો માટે માત્ર સ્વાદ જ નહીં, પરંતુ રસોડાની સ્વચ્છતા પણ સીધી નજર સામે રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફૂટપાથ પર દબાણ કરવું ભારે પડશે! 13 ખાણી-પીણીના એકમો સીલ, 8 પાસેથી રૂ.1.55 લાખનો દંડ
આ પણ વાંચો: AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અમરાઈવાડીમાં 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ રોકાયું; એકમ સીલ
