Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મેસરી નદી પર બનેલા બ્રિજના કામને લઈને ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે (Ketan Inamdar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel )ને પત્ર લખીને બ્રિજના નિર્માણમાં થયેલી ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખતા કેતન ઈનામદારે (Ketan Inamdar) અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે નબળી ગુણવત્તાના કામોના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
24 કરોડના બ્રિજમાં તિરાડો અને RCC ઉખડ્યાનો આક્ષેપ
કેતન ઈનામદારે (Ketan Inamdar) પોતાના પત્રમાં જણાવ્યું છે કે સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર અંદાજે ₹24 કરોડના ખર્ચે બ્રિજ અને એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બ્રિજ શરૂ થયા બાદ થોડા જ સમયમાં રસ્તામાં તિરાડો પડવી અને RCC ઉખડી જવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી છે.ધારાસભ્યે આ સ્થિતિને ગંભીર ગણાવી કહ્યું છે કે સરકાર નાગરિકોની સુવિધા માટે મોટા ખર્ચે વિકાસકાર્યો કરે છે, પરંતુ કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે સરકારની પ્રતિષ્ઠા પર અસર પડી રહી છે.

વિજીલન્સ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ
પત્રમાં તેમણે સમગ્ર મામલે વિજીલન્સ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.કેતન ઈનામદારે અગાઉ પણ આ બ્રિજની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે બ્રિજના કામ દરમિયાન જ ટેકનિકલ ખામીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા.
“ખોટું થતું હોય તો પહેલેથી કાર્યવાહી થવી જોઈએ”: Ketan Inamdar
ધારાસભ્યે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાવલી-ટીમ્બા રોડ પર બે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી એક બ્રિજ અગાઉ તૈયાર થઈ ચૂક્યો છે. તે સમયે પણ તેમણે અધિકારીઓને લેખિતમાં જાણ કરી હતી કે કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે.તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા તે સમયે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા અને અધિકારીઓએ ખાતરી આપી હતી કે નવો બ્રિજ તૈયાર થતાં જ જૂના બ્રિજનું સમારકામ કરવામાં આવશે.કેતન ઈનામદારે વધુમાં કહ્યું કે જો કોઈ ગડબડ થતી હોય તો સમયસર જ પગલાં લેવાં જોઈએ. પછીથી કાર્યવાહી કરવામાં આવે તો લોકોનો વિશ્વાસ તૂટે છે.

અગાઉ પણ અધિકારીઓ સામે ઉઠાવ્યા હતા પ્રશ્નો
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2026માં પણ કેતન ઈનામદારે (Ketan Inamdar) મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ અગાઉ પણ વિવિધ વિકાસકાર્યો અને વહીવટી મુદ્દાઓને લઈને સરકાર અને તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે.હવે ફરી એકવાર તેમણે બ્રિજના કામમાં થયેલી ગેરરીતિઓ મુદ્દે સરકારનું ધ્યાન દોરતા રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો:ચૂંટણી આવતા જ બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું : દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ
