Gujarat News/ ગુજરાતના વાલીઓને ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો

રાજકોટની ન્યૂ એરા સ્કૂલ (School) માં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat
અમદાવાદ સ્કૂલ (School) વર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

Gujarat News : રાજ્યભરના વાલીઓને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ મોંઘવારીનો વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ સ્કૂલ (School) વર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે સ્કૂલ વાનના ભાડામાં દર મહિને ₹200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરવામાં આવશે. એસોસિએશનનું કહેવું છે કે CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે વાહનચાલકો માટે જૂના દરે સેવા આપવી મુશ્કેલ બની રહી હતી.

વર્ષ 2024માં છેલ્લે સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે એસોસિએશન દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી ભાડામાં કોઈ વધારો નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી અને 2027માં જ દરોની સમીક્ષા કરવાનું નક્કી કરાયું હતું. જોકે તે સમયે CNGનો ભાવ આશરે ₹76 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹88 સુધી પહોંચી ગયો છે. ઈંધણ, મેન્ટેનન્સ અને અન્ય ખર્ચમાં સતત વધારો થતાં અંતે ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું છે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો વાલીઓના માસિક ખર્ચમાં વધારો થશે.

બીજી તરફ, ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજે રાજ્યભરની સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળા (School) -કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાના પરિસરો ફરી એકવાર વિદ્યાર્થીઓના કિલ્લોલ અને ઉત્સાહથી જીવંત બની ઉઠ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યની અનેક શાળા (School) ઓમાં વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ આચાર્યો, શિક્ષકો અને શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને, મોઢું મીઠું કરાવીને અને ફૂલો સાથે આવકારવામાં આવ્યા હતા. ઘણા સ્થળોએ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોના આશીર્વાદ પણ લીધા હતા. લાંબા વેકેશન બાદ જૂના મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો. જોકે પ્રથમ વખત શાળાએ આવેલા નાના ભૂલકાઓ માટે આ દિવસ થોડો ભાવુક પણ રહ્યો હતો. વાલીઓ તેમને શાળામાં મૂકીને જતા રહ્યા ત્યારે અનેક બાળકો રડતા જોવા મળ્યા હતા.

રાજકોટની ન્યૂ એરા સ્કૂલ (School) માં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે લાંબા વેકેશન બાદ મિત્રો અને શિક્ષકોને મળવાનો ઉત્સાહ હતો. વિદ્યાર્થિની રિયા ગજ્જરે જણાવ્યું કે વેકેશનમાં બહાર ફરવાની મજા આવી હતી, પરંતુ શાળા અને મિત્રોની ઘણી યાદ આવતી હતી. જ્યારે વિદ્યાર્થિની ખુશીએ કહ્યું કે શાળાનો પહેલો દિવસ તેને ખૂબ ગમે છે કારણ કે મિત્રો સાથે રમવાની અને શિક્ષકોને મળવાની તક મળે છે.

રાજકોટની વી.જે. મોદી સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પ્રાર્થના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ ડોલી વાજાએ જણાવ્યું હતું કે શાળામાં ‘શિક્ષા સે સંસ્કાર અભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય બની ગયું હતું.

અમદાવાદની સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આર.એચ. કાપડિયા સ્કૂલ સહિત અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. લાંબા વેકેશન બાદ મિત્રો સાથે ફરી મુલાકાત થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતની પ્રેસિડેન્સી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓનું તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યોએ જણાવ્યું હતું કે ગરમીને કારણે શાળાઓ શરૂ થશે કે નહીં તે અંગે જે અનિશ્ચિતતા હતી તેનો હવે અંત આવ્યો છે અને વિદ્યાર્થીઓ ફરી અભ્યાસના નિયમિત રૂટીનમાં જોડાઈ રહ્યા છે.

વડોદરામાં પણ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત ઉત્સાહભેર થઈ હતી. અંદાજે ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આજે નવા સત્રમાં પ્રવેશ કર્યો હતો. બ્રાઈટ સ્કૂલ, હરણીના ડાયરેક્ટર જીરલ શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવા અને જૂના વિદ્યાર્થીઓને સરળતાથી વર્ગખંડોમાં પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ હોવા છતાં વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ સૂચના આપવામાં આવી નથી. જેના કારણે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગરમીને ધ્યાનમાં રાખીને રાજ્યની અનેક શાળાઓએ વિશેષ સાવચેતીના પગલાં લીધાં છે. દરેક વર્ગખંડમાં પંખા, યોગ્ય વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

એક તરફ નવા શૈક્ષણિક વર્ષની ખુશી અને ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ સ્કૂલ વાન અને રિક્ષા (School Rickshaw)ના ભાડામાં થયેલા વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર વધારાનો બોજો પડવાનો છે. CNGના ભાવવધારા અને મોંઘવારીના કારણે લેવાયેલા આ નિર્ણયથી રાજ્યભરના હજારો પરિવારોના માસિક શૈક્ષણિક ખર્ચમાં વધારો થશે. આમ, નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વિદ્યાર્થીઓ માટે નવી આશાઓ અને સપનાઓ લઈને આવી છે, પરંતુ વાલીઓ માટે મોંઘવારીનો વધુ એક પડકાર પણ સાથે લઈને આવી છે.


આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, વર્ષમાં કુલ 80 દિવસની મળશે રજાઓ

આ પણ વાંચો : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ

આ પણ વાંચો : ગુજરાતમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણમાં નવો યુગ, NEP-2020 હેઠળ વયમર્યાદામાં ફેરફાર