સેબીએ NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનને નોટિસ મોકલી છે. સ્ટોક એક્સચેન્જમાં કામકાજમાં ક્ષતિઓ સંબંધિત મામલાને લઈને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ હેઠળ સુબ્રમણ્યમને રૂ. 2.05 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.
ચુકવણી 15 દિવસમાં કરવાની રહેશે
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આ નોટિસમાં કહ્યું છે કે 15 દિવસની અંદર ચુકવણી કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, સુબ્રમણ્યમની સંપત્તિ તેમજ બેંક ખાતાઓ જપ્ત કરી લેવામાં આવશે.
દંડ ભરવામાં નિષ્ફળ
નોંધનીય છે કે સુબ્રમણ્યમ તેમના પર લાગેલા દંડની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ સેબીએ આ નોટિસ મોકલી છે. 11 ફેબ્રુઆરીએ પસાર કરાયેલા આદેશમાં, SEBIએ NSEમાં તેમના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓ માટે સુબ્રમણ્યન પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો હતો.
ગેરરીતિના આરોપો
સેબીએ NSEના ભૂતપૂર્વ વડાઓ ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ ઉપરાંત અન્ય કેટલાક લોકો પર સુબ્રમણ્યમની મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે અને પછી ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર તરીકેની નિમણૂકમાં ગેરરીતિનો આરોપ મૂક્યો છે.
ગોપનીય માહિતી શેર કરવાનો પણ આરોપ
આ સિવાય ચિત્રા પર કંપનીની ગુપ્ત માહિતી ‘અજાણ્યા વ્યક્તિ’ સાથે શેર કરવાનો પણ આરોપ હતો. સેબીએ ચિત્રા પર 3 કરોડ રૂપિયા અને નારાયણ પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
2013 સુધી NSEના MD અને CEO હતા
ઉલ્લેખીય છે કે નારાયણ એપ્રિલ 1994 થી માર્ચ 2013 સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના MD અને CEO હતા. તેઓ એપ્રિલ 2013 થી જૂન 2017 સુધી NSE બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીમાં વાઈસ ચેરમેન પણ હતા. તે જ સમયે, ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ 2013 થી ડિસેમ્બર 2016 સુધી NSEના વડા હતા. સેબીએ તેની તાજી નોટિસમાં સુબ્રમણ્યમને 15 દિવસમાં વ્યાજ અને વસૂલાત ખર્ચ સહિત રૂ. 2.05 કરોડ ચૂકવવા નિર્દેશ આપ્યો છે.
