દેશમાં ફરી એકવાર કોરોના નો કહેર વધી રહ્યો છે. રવિવારે ભારતમાં સતત બીજા દિવસે 62 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. દેશમાં કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે, જ્યાં ઘણા જિલ્લાઓમાં લોકડાઉન લગાવ્યા છતાય કોરોના કેસમાં ઘટાડો નથી નોધાયો. મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા પછી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન માટેનો રોડ મેપ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. જો લોકો બેદરકારી દાખવવાનું બંધ ન કરે તો ગત વર્ષની જેમ કડક લોકડાઉન લાદવામાં આવશે.
કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને હોળી નિમિત્તે મહારાષ્ટ્રથી દિલ્હી સુધી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસો પર બેઠક કરી હતી. બેઠક બાદ ઉદ્ધવે લોકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો લોકો કોરોના બચાવ સંબંધિત નિયમોનું પાલન ન કરે તો લોકડાઉન માટેનો રોડ મેપ તૈયાર થવો જોઈએ. સાથે સાથે કોરોના કેસ વધતા મોત રેસીયો પણ વધવાનો ભય છે. તેમણે કહ્યું કે વધતા જતા કેસોને કારણે આરોગ્ય સુવિધાઓ ઘટવા લાગી છે. આવી સ્થિતિમાં, ફરીથી લોકડાઉન કરવું વધુ સારું રહેશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઔરંગાબાદમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન, જે કોરોનાની ગતિને રોકવા માટે લાદવામાં આવી રહ્યું છે, તે 30 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. ઔરંગાબાદના જિલ્લા પ્રશાસને આ કડક પગલું ભર્યું છે.
હોળીના બીજા દિવસથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત આવશ્યક સેવાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ સેવાઓ બંધ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી ઔરંગાબાદમાં ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 15 એપ્રિલ સુધીમાં રાજ્યમાં લાગુ કરાયેલા કોવિડ -19 ના પ્રતિબંધોને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.
નાગપુરમાં 3970 નવા કેસો, 58 ના મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 3970 નવા કેસો નોંધાયા છે. તે જ સમયગાળા દરમિયાન, 3479 લોકો સ્વસ્થ થયા છે અને 58 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોના ચેપના કુલ કેસની સંખ્યા હવે બે લાખ 18 હજાર 820 પર પહોંચી ગઈ છે. આ સિવાય આ રોગથી એક લાખ 76 હજાર 113 લોકો મટાડયા છે અને 4931 લોકોનાં મોત નીપજ્યાં છે.
