Not Set/ સુએઝ નહેરમાં ફસાયું જહાજ એવરગિવન, જહાજ ફસાઈ જતાં બંને બાજુનો ટ્રાફિક બ્લોક

એશિયા અને યુરોપને 10 હજાર કિલોમીટર નજીક લાવતી સુએઝ નહેરમાં 23મી માર્ચથી ફસાયેલાં જહાજે આખી દુનિયાના જીવ અદ્ધરતાલ કરી નાખ્યાં છે.

Gujarat Others Trending

એશિયા અને યુરોપને 10 હજાર કિલોમીટર નજીક લાવતી સુએઝ નહેરમાં 23મી માર્ચથી ફસાયેલાં જહાજે આખી દુનિયાના જીવ અદ્ધરતાલ કરી નાખ્યાં છે. તમે જાણીને ચોંકી ઉઠશો કે એક જ જહાજે ઈજિપ્તની અર્થવ્યવસ્થાને ચિંતામાં નાખી દીધી છે.

  • નહેરમાં જહાજ ફસાયાને આજે છઠ્ઠો દિવસ
  • નહેર પર આધારિત છે ઈજિપ્તનું અર્થતંત્ર
  • ઈજિપ્ત નહેરમાંથી પસાર થવા વસૂલે છે ટોલ

એન્જિનિયરિંગ મિરેકલ ગણાતી સુએઝ નહેરમાં ફસાયેલાં એક જહાજે આખી દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. એવરગિવન નામનું એક દૈત્યાકાર જહાજ આ નહેરમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હવાના તેજ પ્રવાહને કારણે ગત 23મી માર્ચે આડું થઈ અને નહેરના કિનારા સાથે ટકરાઈને ફસાઈ ગયું છે. છ-છ દિવસની મહેનત છતાં તે તેની જગ્યાએથી હજુ ખસતુ નથી. સુએઝ નહેર ઈજિપ્તમાંથી થઈને પસાર થાય છે. આ નહેરમાંથી પસાર થવાનો ઈજિપ્ત ટોલટેક્સ વસૂલે છે. પણ જેવું આ જહાજ ફસાયું બંને તરફથી ટ્રાફિક બંધ કરવો પડ્યો છે. કેમ કે જહાજ એવી રીતે ફસાયું છે કે કોઈ એની આ પાર કે પેલેપાર જઈ શકે તેમ નથી. જેના કારણે ઈજિપ્તની આવક બંધ થઈ ગઈ છે.

  • ફસાયેલાં જહાજ પર 20 હજાર કન્ટેઈનર
  • જહાજ પર કન્ટેઇનરનું વજન જ 18 કરોડ કિલો
  • 10 માળની ઈમારત જેટલી છે જહાજની ઊંચાઈ
  • જહાજ ફસાવાથી રોજનું 60 હજાર કરોડનું નુકસાન
  • દરરોજ નહેરમાંથી પસાર થાય છે 50થી 60 જહાજ

ફસાયેલાં જહાજ એવર ગિવન પર 20 હજાર કન્ટેઈનર ખડકેલા છે. જેમાં અબજો રૂપિયાનો માલસામાન ભરેલો છે. ખડકેલાં કન્ટેઇનરનું વજન જ 18 કરોડ કિલોગ્રામ છે. ઉપરાંત આ જહાજની ઊંચાઈ 10 માળ જેટલી અને સાઈઝમાં ત્રણ ફૂટબોલ મેદાન જેટલું છે. હવે આ જહાજ ફસાઈ જવાને કારણે નહેરની બંને બાજુ લાંબો ટ્રાફિક જામ થયો છે. કેમ કે નહેરમાંથી રોજના 50થી 60 માલવાહક જહાજ પસાર થાય છે. જેમાં અબજો-ખર્વો રૂપિયાનો માલ ભરેલો છે. જહાજ ફસાવાથી રોજનું 60 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ નુકસાન ઈજિપ્તને થઈ રહ્યું છે. અહીંથી રોજના અસંખ્ય ઓઈલ ટેન્કર પણ નીકળતા હોવાથી ક્રૂડઓઈલના પુરવઠા પર પણ આ બ્લોકેજની અસર પડવાની. ઈજિપ્ત ઓથોરિટી જહાજને હટાવવાના ભરચક પ્રયાસો કરી રહી છે. ઓથોરિટીનો દાવો છે કે આવનારા એકાદ-બે દિવસમાં જહાજ નીકળી જશે અને ફરી સમુદ્રી વ્યવહાર પૂર્વવત થઈ જશે.