Surat News : સુરતમાં 5 લાખના મુગટથી બાળ ગોપાલના સ્વાગતની જોરદાર તૈયારી કરવામાંઆવી છે. તે સિવાય સુરતના જ્વેલર્સ બજારમાં 50 ગ્રામથી 5 કિલો સુધીના પારણાંના ઓર્ડર મળ્યા છે. સુરત જે તેના હીરા ઉદ્યોગ અને કાપડ બજાર માટે જાણીતું છે, તે હવે જન્માષ્ટમીના આગમન સાથે આધ્યાત્મિક રંગોમાં રંગાઈ ગયું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આ ઉત્સાહ ખાસ કરીને જ્વેલર્સ બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે અને આ પર્વને ઉજવવા માટે લોકો બાળ ગોપાલની પ્રતિમાઓ, પારણા અને અન્ય શણગારની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે, સાથે ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુગટનું આકર્ષણ લોકોમાં છે.આ વર્ષે જન્માષ્ટમીની તૈયારીઓ અસામાન્ય રીતે ભવ્ય છે, જ્વેલર્સ દ્વારા બાળ ગોપાલ માટે ચાંદી અને સોનાની અદ્ભુત પ્રતિમાઓ, ઝૂલા, મુગટ, વાંસળી અને અન્ય રમકડાંની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે. આ વસ્તુઓ કલાત્મકતા અને ધાર્મિકતાનું સુંદર મિશ્રણ રજૂ કરે છે.સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ વર્ષે ચાંદીના ઝૂલા અને બાળ ગોપાલની પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો માત્ર ઝૂલા જ નહીં, પરંતુ ચાંદીના હાથી, ઘોડા અને ગાય જેવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે.

તેને વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે 50 ગ્રામથી લઈને 5 કિલો સુધીના પારણાના ઓર્ડર મળ્યા છે, જેની કિંમત 5 હજારથી લઈને 5 લાખ સુધીની છે. આ ઉપરાંત, 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીની ચાંદીની કાન્હાની પ્રતિમાઓ પણ ઉપલબ્ધ છે, જેની પણ ખૂબ માંગ છે.આ વર્ષે ખરીદીનું સૌથી મોટું આકર્ષણ 9 કેરેટ ગોલ્ડના મુગટ છે. આ મુગટ અમેરિકન ડાયમંડથી મઢેલા છે, જે તેને એક ભવ્ય અને શાહી દેખાવ આપે છે. આ મુગટની કિંમત 5 લાખ સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે ભક્તો પોતાના પ્રિય ભગવાનને શણગારવા માટે કોઈ કસર છોડવા તૈયાર નથી. આ મુગટ માત્ર એક શણગાર નથી, પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે.બજારમાં માત્ર પ્રતિમાઓ કે પારણાં જ નહીં, પરંતુ કૃષ્ણ લીલા સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જેની પણ ભારે માંગ છે.
આમાં ચાંદીના ઘોડા, હાથી, નંદી અને કળશનો સમાવેશ થાય છે, જે ગોપાલની પ્રતિમાની સાથે મૂકવામાં આવે છે, જેથી સંપૂર્ણ દ્રશ્ય જીવંત બને. આ વસ્તુઓ જન્માષ્ટમીની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવે છે. જ્વેલર્સ જણાવે છે કે ઘણા ગ્રાહકોએ આ વર્ષે એડવાન્સ ઓર્ડર આપ્યા હતા, જે દર્શાવે છે કે બજારમાં વેચાણ ખૂબ જ સારું રહ્યું છે.જન્માષ્ટમીનો પર્વ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ તે આર્થિક ગતિવિધિઓ માટે પણ એક મહત્વપૂર્ણ અવસર છે.

જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું કે, “દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો ઉત્સાહભેર રીતે ઉજવણી કરે છે અને આ વર્ષે પણ જ્વેલર્સ બજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે.” આ ખરીદી માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ બજારમાં સકારાત્મક ગતિવિધિનું પણ પ્રતીક છે.સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ જન્માષ્ટમી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક ઘટના છે. આ દિવસે લોકો ભેગા થાય છે, ભજન-કિર્તન કરે છે અને કૃષ્ણ લીલાનું પુનરાવર્તન કરે છે. જ્વેલરીની ખરીદી આ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, જે દર્શાવે છે કે લોકો ધર્મ અને પરંપરાને આધુનિકતા સાથે જોડવામાં માને છે.
આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ
આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ
