Gujarat Finance Department Circular Court Verdict: ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી હાઈકોર્ટના કોઈપણ ચુકાદાનું અમલીકરણ માત્ર 45 દિવસની અંદર કરવું અનિવાર્ય રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને ઝડપી ન્યાય મળશે.
Gujarat : કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ઘણા કિસ્સાઓમાં હાઈકોર્ટ કર્મચારીની તરફેણમાં ચુકાદો આપે છે, પરંતુ સરકારી વિભાગો દ્વારા તેના અમલીકરણમાં મહિનાઓ કે વર્ષો નીકળી જાય છે. આ વિલંબને કારણે ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ’ (અદાલતની અવમાનના) ની સ્થિતિ સર્જાય છે. આ ગૂંચવણો ટાળવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે નાણાં વિભાગે આ કડક ગાઈડલાઈન બહાર પાડી છે.

જાણો કયા વિભાગને કેટલા દિવસ મળશે?
નવા પરિપત્ર મુજબ ચુકાદાના અમલ માટે ચોક્કસ ડેડલાઈન નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત હવેથી મહત્તમ 45 દિવસમાં ચુકાદાનો અમલ કરવો પડશે. આ નવી પ્રક્રિયા મુજબ, સંબંધિત વિભાગે ચુકાદો મળ્યાના 12 દિવસમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે અને નાણાં વિભાગને દરખાસ્ત રજૂ કરવા માટે માત્ર 8 દિવસનો સમય મળશે. આ ઉપરાંત, ખાતાના વડાએ દરખાસ્તની ચકાસણી માટે 10 દિવસ અને આખરી નિર્ણય માટે 15 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
જો વિલંબ થાય તો શું?
જો કોઈ અનિવાર્ય સંજોગોમાં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત સરકારી વિભાગે કોર્ટમાં જઈને ‘સમયવધારો’ (Extension) મેળવવા માટે ફરજિયાત અરજી કરવાની રહેશે. આમ કરવાથી જવાબદારી નક્કી થશે અને બિનજરૂરી ફાઈલો અટવાશે નહીં.
પેન્શનરોને થશે મોટો ફાયદો
ઘણા પેન્શનરો પોતાના મેડિકલ બિલ, પેન્શનમાં વધારો કે અન્ય એરિયર્સ માટે વર્ષો સુધી કાનૂની લડાઈ લડતા હોય છે. કોર્ટમાં જીત્યા પછી પણ નાણાં વિભાગની મંજૂરીમાં ફાઈલો અટવાતી હતી. હવે આ નવી સિસ્ટમથી કર્મચારીઓ અને પેન્શનરોના કેસોનો ઝડપી નિકાલ આવશે, જે તેમના માટે ન્યાયની નવી આશા લઈને આવ્યું છે.
આ પણ વાંચો: કે.સી. વેણુગોપાલના નેતૃત્વમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે ઉઠાવ્યો સસ્પેન્શન મુદ્દો
આ પણ વાંચો: ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, દેવા માંફી, વિધવા-વૃદ્ધ પેન્શનની પેંશનની જાહેરાત નહીં
આ પણ વાંચો: આજથી 8મું પગાર પંચ અમલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ખુશખબર
