Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત શિશુઓને સમયસર તેમજ સચોટ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતેથી 108 એમ્બ્યુલન્સ (Ambulance)સેવા હેઠળ 11 નવી અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’નો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય નાણા મંત્રી કમલેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી 11 અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ'(Ambulance) સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવશે.
આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના એક પણ બાળકનું આરોગ્ય સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે સંકલ્પ કર્યો છે. નવજાત શિશુઓ માટે સંજીવની સમાન આ નવી એમ્બ્યુલન્સ(Ambulance) ખાસ કરીને ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને એક હોસ્પિટલથી બીજી ઉચ્ચ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ રહેશે, જે રાજ્યના નવજાત શિશુ મૃત્યુદરમાં વધુ ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આજે ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ અનેક આરોગ્યલક્ષી યોજનોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અંતરિયાળ ગામની અંદર નાના PHC સેન્ટરમાં જ્યારે ડિલેવરી થતી હોય ત્યારે નવું જન્મેલું બાળક ઘણીવાર ગંભીર બીમારી અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન લાગેલું હોય તો તેને મોટા સેન્ટર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે અદ્યતન એમ્બ્યુલન્સ(Ambulance)ની જરૂર પડતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આજે વધુ 11 નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ, અધિક નિયામક નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
