Luxembourg Finance Minister Gujarat Visit: ગુજરાતમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનું ડગલું ભર્યું છે. લક્ઝમબર્ગના નાણાં મંત્રી ગિલિસ રોથ અને તેમના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ગિફ્ટ સિટી (GIFT City) માં ઈન્ટરનેશનલ ફાઇનાન્સિંગ ક્ષેત્રે મોટા પાયે રોકાણ અને સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Luxembourgની ફાઇનાન્સિયલ તાકાત અને ગુજરાત
લક્ઝમબર્ગ વિશ્વનું મોટું ફાઇનાન્સિયલ સેન્ટર છે, જે 115 બેંકો સાથે 8 ટ્રિલિયન યુરોનું એસેટ મેનેજમેન્ટ ધરાવે છે. આટલી વિશાળ ક્ષમતા ધરાવતા દેશે હવે ગુજરાત સાથે નાણાકીય સંબંધો વિસ્તારવા માટે ભારે ઉત્સુકતા દર્શાવી છે.

મુખ્યમંત્રીનો ‘ગ્રીન ગ્રોથ’ પર ભાર
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત ‘પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ’ એટલે કે સાવધ નાણાકીય વ્યવસ્થાપન ધરાવતું રાજ્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત હવે ગ્રીન એનર્જી અને ગ્રીન ગ્રોથના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ લેવા માટે સંપૂર્ણ સજ્જ છે, જેના ભાગરૂપે લક્ઝમબર્ગની ‘ગ્રીન બોન્ડ’ અને ગ્રીન ફાઇનાન્સિંગ ક્ષેત્રની વર્ષોની કુશળતાનો લાભ ગુજરાતને મળે તે દિશામાં સકારાત્મક પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યમાં મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ દ્વારા શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ગિફ્ટ સિટી બનશે કનેક્ટિવિટીનું માધ્યમ
લક્ઝમબર્ગના નાણાં મંત્રી ગિલિસ રોથે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં IFSCA અને લક્ઝમબર્ગના CSSF વચ્ચે થયેલા MOU ને કારણે બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બન્યો છે. લક્ઝમબર્ગ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

વાયબ્રન્ટ સમિટ 2027 માટે આમંત્રણ
મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને આગામી જાન્યુઆરી-2027 માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેમજ એપ્રિલ અને જૂન-2026 માં યોજાનારી રીજનલ કોન્ફરન્સમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. સામા પક્ષે લક્ઝમબર્ગના નાણાં મંત્રીએ પણ ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળને લક્ઝમબર્ગની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
