Ahmedabad News : અમદાવાદ જિલ્લાના સાણંદ (Sanand)તાલુકાના ચારરાવાડી ગામ નજીક આવેલા ગેલેક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Galex Industrial Park)વિસ્તારમાં જાહેર માર્ગ પર મોટી માત્રામાં એક્સપાયર થયેલી દવાઓ (Expired Medicines) અને ટેબલેટનો જથ્થો મળી આવતા વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કોઈ ફાર્માસ્યુટિકલ કંપની અથવા દવાઓ સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા નિયમોનું પાલન કર્યા વિના એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો ખુલ્લામાં ફેંકી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

જાહેર માર્ગ પર આ રીતે એક્સપાયર થયેલી દવાઓ (Expired Medicines)નો નિકાલ કરવામાં આવતા સ્થાનિક લોકોના આરોગ્ય તેમજ પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું થયું હોવાનું માનવામાં આવે છે. જો આ દવાઓ બાળકો, પશુઓ અથવા અન્ય લોકોના હાથમાં પહોંચી જાય તો અનિચ્છનીય અને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ ઘટનાએ બાયોમેડિકલ વેસ્ટ (Biomedical Waste)મેનેજમેન્ટ અને ઔદ્યોગિક કચરાના યોગ્ય નિકાલ અંગેના નિયમોના અમલ પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા બેદરકાર વર્તન સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય નહીં.
સ્થાનિક લોકોએ સંબંધિત સરકારી વિભાગો, પ્રદૂષણ નિયંત્રણ તંત્ર અને જવાબદાર અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ દવાઓ ફેંકવા માટે જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થાની ઓળખ કરી તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે, જ્યારે અધિકારીઓની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
