Kutch News : કચ્છના નલિયા 2017ના સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. નલિયા સામુહિક દુષ્કર્મ કેસ 2017માં 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. નલિયામાં 2017ના સામુહિક દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી. પરંતુ ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી. જેના કારણે તમામ 8 આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે. આ કેસમાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.
મળતી માહિતી મુજબ, કચ્છના નલિયામાં વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ દુષ્કર્મની ચકચારી ઘટનામાં ભાજપના મોટા માથાઓ શામેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અબડાસા- નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની પીડિતાએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ભાજપના અમુક નેતાઓ સહિત 10 આરોપી સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. ભુજની અદાલતમાં લાંબા સમય બાદ પીડિતા અને આરોપીઓ આમને સામને હોવાથી સુનાવણી પર સૌની મીટ મીડાઈ હતી. આરોપીઓ પૈકી ગાંધીધામ અને નલિયાના અમુક આરોપી ભાજપના હોદ્દેદાર અને પદાધિકારી હોવાથી ન માત્ર ગુજરાત, પરંતુ દેશમાં પણ તેના રાજકીય પડઘા જોવા મળ્યા હતા.
કચ્છના નલિયામાં 2017ની 25 જાન્યુઆરીએ નલિયા સામુહિક દુષ્કર્મ કાંડની પ્રથમ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ રચવામાં આવી હતી. આ ટીમે ચાર્જશીટ રજુ કર્યા બાદ આ કાંડમાં પકડાયેલા 8 આરોપીઓની હાજરીમાં પ્રથમવાર પિડીતાની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરીને આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા હતા. તપાસ બાદ ભુજ સેશન્સ કોર્ટે 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
આ પણ વાંચો: ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: હું મોટો ડોન છું,પોલીસ કશું બગાડી નહીં શકે કહીને બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા
આ પણ વાંચો: ધોરણ 12ની છાત્રા સાથે વાહનચાલક વિધર્મીએ આચર્યું વારંવાર દુષ્કર્મ
